પન્ના કી તમન્ના હૈ હિરા મુજે મિલ જાયે…..!
પન્નાના ઇતિહાસનો બીજો સૌથી મોટો હિરો ૪૨.૯ કેરેટનો
દિવાળીને એક મહિનાથી વાર છે પણ પન્નામાં રહેતા એક ગરીબ મજુર અત્યારથી જ દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. ભોપાલના પન્ના વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય મજુર મોતીલાલ પ્રજાપતિને ખોદકામ કરતા પન્નાના ઇતિહાસનો બીજો સૌથી મોટો હિરો મળી આવ્યો હતો.
મોતીલાલને ૪૨.૯ કેરેટનો હિરો મળી આવ્યો હતો. પન્નાના ડાયમંડ ઓફીસર સંતોષ સિંહે કહ્યું હતું કે આ પૂર્વ ૧૯૬૧ માં પહેલી વખત ૪૪.૫૫ કેરેટનો ડાયમંડ પન્નાની ખાણમાંથી મળ્યો હતો ત્યારે આ ડાયમંડ બીજી સૌથી મોટી સિઘ્ધિ સમાન છે.
મળેલા હિરાની કિંમત રૂ. ૧.૫ કરોડ હોવાનું માલમુ પડયું હતું જેની હરાજી સરકારી નિયમો મુજબ જ કરવામાં આવશે. બહુમુલ્ય હિરાને હાથમાં પકડી ટી.વી. કેમેરાને દર્શાવતા મોતીલાલે કહ્યું કે, મજા આવી ગઇ, આ હિરાથી મારા પરિવારની ગરીબી દુર થશે અને મને દેણાંમાથી પણ મુકતી મળશે. મારી આર્થિક પરિસ્થિતિ હાલ ખુબ જ નબળી ચાલી રહી છે. ત્યારે આ હિરો મારી કિસ્મતના દ્રાર ખોલવા આવ્યો છે. આ બન્ને બાળકો હવે સારી સ્કુલમાં અભ્યાસ કરશે.