વિકસતા વિકાસે અને આજના મોબાઇલ યુગમાં આ ઓટલા પરિષદ લુપ્ત થતી જાય છે: ગ્રામ્ય સંસ્કૃતિમાં હજી ચોરે બેસીને ચર્ચાઓ આજે પણ થાય છે: કલાકોની વ્યર્થ ચર્ચા બાદ અંતે બધા ઘર ભેગા થઇ જાય છે.
વર્ષોથી આ ટોળા કે ગૃપ દરરોજ રાત્રે વિવિધ ચર્ચા કરતો આવ્યો છે. ક્રિકેટ હોય કે રાજકારણ, ચીન હોય કે જાપાન આખા મલકની વ્યર્થ ચર્ચા-સલાહ-સુચનોનો મેળાવડો એટલે ચોકમાં ભરાતી ગૃપો કે ભાઇબંધોની પરિષદ આજે પાન કે ચા ના ગલ્લે કલાકો સુધી આવી ચર્ચા-સભાઓ ચાલે છે. બોલવાની સારી છટાવાળો ચર્ચામાં સદા અગ્રેસર હોય છે. કપડાં, ફિલ્મ કે ઘણીવાર તો મુંઝવતા પ્રશ્ર્નોની સાથે શિખામણ પણ આપતાં હોય છે. આજે આવી પ્રથા હવે ધીમેધીમે લુપ્ત થઇ જાય છે તેના કારણોમાં ટીવી, મોબાઇલ સાથે ઇન્ફરમેશન ટેકનોલોજીના વિવિધ ગેઝેટે મહત્વનો ભાગ ભજવ્યો છે.
ઓટલા પરિષદ આ શબ્દ બધાએ સાંભળ્યો હશે ને તેમાં ભાગ લીધો હશે. આજે કોઇ પાસે સમય નથી તેથી તે લુપ્ત થવાના આરે છે પણ કોરોના કાળના લોકડાઉનમાં આ પ્રથા ફરી જીવંત થઇ હતી. આ એક એવો જલ્વો છે જેમાં બધાને પોતાની વાત રજૂ કરવાની તક મળે છે. અલક-મલકની વાતોની વિચારગોષ્ઠી એટલે ઓટલા પરિષદ, શેરી કે ચોકમાં રાત્રે કે રજામાં નવરા પડીને બધા ભેગા થાયને શરૂ થાય ઓટલા પરિષદનું ચર્ચા સંમેલન પુરૂષો જ ભાગ લે તેવું જરૂરી નથી સ્ત્રીઓ પણ ઝુંડ બનાવીને ચાપડા જીકતાને પંચાત કરતા પંચાયતી સભા ભરે છે.
જે કરન્ટ વિષય હોય તેના પર ચર્ચા, સલાહ, સૂચનો વિશેષ થાય છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં હજી ચોરે બેસીને આજ ઓટલા પરિષદ જીવંત છે. મોટી ઉંમરના વડીલો બીડીયું પીતા પીતા આખા મલકની વાતો કરતાં હોય છે. શહેરોમાં નિવૃત કે સિનિયરો પણ સવારે 10 થી 12ને સાંજે 4 થી 6 નિયમિત મળેને અલક-મલકની વાતો કરે એમાંય જો મોંઘવારી વધારો જાહેર કરાય તો તેની ચર્ચા બાદ ટી પાર્ટી પણ કરાય છે. બદલાતી લાઇફ સ્ટાઇલે હવે ચા ની હોટલે કે પાનનાં ગલ્લે યુવાધનનું ટોળું ભેગુ થાયને કલાકોની બેઠક બાદ અંતે ઘર ભેગા થઇ જાય છે. ઓટલા પરિષદના રૂપરંગ બદલાય ગયા છે. પહેલા તો શહેરનાં કે ગામડાના અમુક ચોક નક્કી જ હતા જ્યાં નવરા ધૂપના ટોળાઓ વિવિધ ચર્ચાઓમાં મશગૂલ હોય તો અમુક કેરમ, ચોકડી, છકડી કે રમી રમતાં હોય છે. જુના ગીતોના શોખીનો ગીતો સાંભળતા ગીત ગુનગુનાવતા હોય છે. જો કે, આવા દ્રશ્યો હવે જુજ જોવા મળે છે. આજે તો બધા ટોળી બનાવીને બેસે તો ખરા પણ બધા પોતપોતાના મોબાઇલમાં વ્યસ્ત હોય. આજે તો સ્ત્રીઓ પણ સ્માર્ટ ફોન લઇને આંગણે બેઠી જોવા મળે છે.
પહેલા ટીવી, મોબાઇલ કશું જ ન હતું ત્યારે ઓટલા કે ઉંમરે બેસીને ટોળું કલાકો સુધી વાતો કરતું. એ જમાનામાં કોઇ ફિલ્મ જોઇ આવે તો આખી સ્ટોરી પણ કરે. ક્રિકેટ મેચની વાત પણ આવી જાય. ટુંકમાં આ બધી સિસ્ટમથી માનવી ટ્રેસ મુક્તિ થઇ જતાં. ઓટલા પરિષદમાં જો કોઇ નવું વ્યક્તિ આવે તો બધા ચૂપ થઇ જતાં હતા. દરરોજ સાથે બેસતા લોકોનું ફૂલ કોરમ હોય તો ચર્ચાની વાતમાં ટોણો પણ જામે છે. કેટલાક સાથે સંબંધ બગડ્યા હોય તો ચર્ચાની વાતમાં ટોણો પણ મારતા જોવા મળે છે. ચર્ચામાં ભૂત-પ્રેતની વાત, રાજકારણની વાતો, કોઇના અવસાનની વાત, તહેવારોની ઉજવણીની વાતો સાથે દરિયાપારના દેશો, પાડોશી દેશોની વાતો પણ ચર્ચામાં આવી જાય છે. કોઇ વિદેશ ગમન કરી આવ્યું હોય તો બધા તેની વાતો રસપૂર્વક સાંભળીને લાંબી ચર્ચા ચાલે છે. ઓટલા પરિષદમાં વાણી સ્વાતંત્ર્યનો પૂરો હક્ક હોવાથી ગમતે સલાહ-સુચન કે નિયમો બનાવવાની વાતો બે ધડક કરતાં જોવા મળે છે.
કામ ધંધેથી ફ્રિ થઇ, વાળુ-પાણી કરીને ઘરના ઓટલે કે ચોકમાં બેસીને કરાતી ટાઇમ પાસ ચર્ચામાં સલાહ-સુચન સાથે સૌ કોઇ વાણી સ્વતંત્રતાના હક્ક સાથે ગમે તે બોલે: કરન્ટ ટોપીક સાથે આજે તો વિશ્ર્વભરની ચર્ચાઓ થવા લાગી છે.
કારખાના વર્ગનાં મંગળવારની રાત્રી અને સરકારી નોકરિયાત શનિવાર રાત્રિમાં લાંબો સમય જોડાય છે. અને હા…..સ્ત્રીઓને કોઇ બંધન નહી વીકના બધા દિવસ મુક્તમને ટોળા બનાવીને આંગળાની બહારના ઓટલે સભા શરૂ કરી શકે છે. આજે તો મોબાઇલમાં આવતાં વિડીયો વિશે પણ બધાને ખબર હોય તો પણ કલાકો સુધી તેની ચર્ચા આ ઓટલા પરિષદે કરાય છે. ઘણીવાર તો આવા જૂથ નાના-મોટા સેવાકીય આયોજન કરીને બીજાને મદદરૂપ થતાં જોવા પણ મળે છે. મોબાઇલનું ચલણ વધતા ટીવી જોવાનું પણ લોકોએ ઓછું કર્યું છે. સ્ત્રીઓ સિરિયલ અચુક જોવે છે. વન ડે કે ટી-20 હોય તો પુરૂષો પણ ટીવી સામે બેસે છે. બાળકોને તો હમેંશા કાર્ટુન જોવા ગમે છે. મુક્ત વાતાવરણમાં ઉછરેલ આજના મા-બાપો જ પોતાના સંતાનોને મુક્ત વાતાવરણ આપતાં નથી. ગામડાનો જલ્વો અનેરો હોય છે. જુની-જુની વાતોનો દોર ચાલુ થાય તો એકબીજા પોત-પોતાના જમાનાની વાતું એ ચડી જાય છે. અભણના ટોળા વચ્ચે કોક ભણેલ છાપું વાંચીને બધાને વાત કરતો પણ જોવા મળે છે. ઓટલા પરિષદમાં નાનકડી વાતોમાં મીઠું ભભરાવીને રસપ્રચુર રજૂ કરવામાં ઘણા માહિર હોય છે. ટ્રમ્ય હોય કે બીડેન, ચીન હોય કે જાપાન બધા દેશો સાથે આખા વિશ્ર્વની વાતો, વર્લ્ડ બેંક, અર્થતંત્ર વિગેરે તમામ વિષયોની અહિં ચર્ચા થતી જોવા મળે છે. ઓટલા પરિષદમાં રાજકારણની ચર્ચા, રાજીનામા પાર્ટી બદલું વિગેરેમાં સલાહ સુચનની ભરમાર જોવા મળતી હોય છે.
નાના બાળકોની ટોળી, તરૂણો, કિશોરોની ટોળી, યુવાનોની ટોળી, વડિલોની ટોળી વિગેરે આવી વિવિધ જૂથો વચ્ચેની બેઠકો મોડી રાત સુધી ચાલતી હોય છે. પહેલા તો વિવિધ રમતો, દેશી રમતો રમતાને બાકીના ચોવટ કરતા પણ આજે બદલાતા યુગે તેમાં પણ પરિવર્તન જોવા મળે છે. ઓટલો એવો શબ્દ છે જે અલખ સાથે પણ આપણે જોડ્યો છે. કેટલાક ગૃપો હારમોનિયમ, તબલા, મંજીરા જેવા સાજ લઇને ભજનો પણ લલકારતા હોય છે. સંધ્યાટાળે મંદિરે આવા દ્રશ્યો બહુ જોવા મળે છે. પહેલા સ્ટ્રીટલાઇટના થાંભલા નીચે ટોળા ભેગા થતા આજે બજારે કે શેરી નાકે આવેલા ચોકમાં ટોળા ભેગા થાય છે. શેરીમાં આવેલ મોટા ઓટલે બધા ભેગા થાયને ધીંગામસ્તી કરેને મકાન માલિક તેને તગડી મુકે તેવા બનાવો પણ બનતા હતા.
પંચાત ઉપરથી પંચાયતી શબ્દ બન્યો હશે અગાઉ ભેગા થઇને થતી વાતો મીટીંગ સ્વરૂપે આવી હોય એવું બની શકે પણ અહીં થતી વાતોમાં ઘણીવાર દમ જોવા મળે છે. ચુંટણી વખત તો ઘણીવાર ઉમેદવાર પણ આવીને વાતોમાં જોડાય જાય છે. ઓટલે ચર્ચા કરતાંને બોલતાં-વિચારો રજૂ કરતાં કેટલાક રાજકારણમાં પણ આગળ આવ્યાના દાખલા છે તો કેટલાક સારા વકતા પણ બની ગયા છે. રાત્રે વાળુ-પાણી કરીને બધા એકબીજાની ડેલીમાં બહાર નીકળવાની રાહ જોતા હોય છે. કોક ન આવે કે મોડું થાય તો તેની પણ ચર્ચા લાંબી ચાલે છે. મહેમાન આવે તો તેને પણ ઓટલે તો બેસાડવા બધા જ લાવે. શેરી-ગલ્લી કે નાના ગામમાં કોઇની છોકરી જો કોઇ અજાણ્યા છોકરા સાથે ભાગી જાય તો અને કોઇ લફરાની વાત આવે તો ઓટલા પરિષદ ચર્ચા જામે છે. સલાહ-સુચનાનો વરસાદ વરસી પડે છે તો કેટલાક માર-ધાડની વાતો કરે છે પરંતુ છેલ્લે તો આપણે શું એમ કહી બધા પોતાના ઘર ભેગા થઇ જાય છે.
ગામડામાં ‘ચોરા’પરિષદ આજેય જીવંત
નવરા લોકો ટોળા વળીને ટાઇમ પાસ માટે વિવિધ ચર્ચાઓ કરતા હોય તેને ‘ઓટલા’ ભાંગવાની કહેવત સાથે જોડી શકાય. અમારા જમાનામાં આમ હતું કે થતું હોય ને કોક છાપુ વાંચી સંભળાવતો હોય આવી ચર્ચામાં બેસો કે સાંભળો તો એટલી રસપ્રદ હોય કે કથા સાંભળવા કરતાં પણ વિશેષ આનંદને મનોરંજન મળતું હોય છે. ચર્ચાઓમાં મોટેભાગે મીઠુ ભભરાવીને વધારો કરી સૌ મઝા લેતા હોય છે. ભણેલા કે અભણ ગમે તે હોય પણ આવી સભા તો સૌ ભરતા જ હોયને જોડાતા પણ હોય છે. શહેરોમાં પણ ચૌટેને ચોકે આવા મેળાવડા જામતા જ હોય છે. શેરીના ખૂણે કે ઘરના ઓટલે નવરાશની પળોમાં મેડીકલની સલાહ પણ મળી જાય છે !! ફિલ્મની સ્ટોરી તો આ ટોળામાંથી ખબર પડી જાય છે. છૂટા પડતી વખતે કાલનું પ્લાનીંગ તો કરે જ હો, આવા ગૃપ કે ટોળાની 99 ટકા વાત કશી જ કામની હોવા છતાં સૌ રસપ્રદ વાતોમાં જોડાય એ નક્કી જ છે. નાના બાળકો પણ પોતાની ટોળી જમાવીને બેસતા હોય છે. મહિલાઓ પણ પોતાનો ચોકો જુદો કરીને પણ અલગ કંપની જમાવે છે.