કચ્છમાં બચેલા માત્ર 4 માદા ઘોરાડ પક્ષીને રાજસ્થાન શિફ્ટ કરવા સુપ્રીમમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું
પંખીડા તું ઉડી જજે. આ અધૂરી પંક્તિ અત્યારે સાચી ઠરી છે. વીજ લાઈનથી ઘોરાડના અસ્તિત્વ ઉપર જોખમ ઉભું થઈ રહ્યું હોય, સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં ગુજરાત સરકારે કચ્છમાં માત્ર ચાર ઘોરાડ પક્ષી જ બચ્યા હોય તેને રાજસ્થાન સ્થળાંતર કરવા સોગંદનામું રજૂ કર્યું છે.
કચ્છમાં હવે માત્ર ચાર માદા ઘોરાડ પક્ષી એટલે કે ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ બચ્યા છે. આ વિસ્તારમાં ઉર્જા વિભાગ હાઈ ટેન્સન પાવર લાઇન નાખવા ઇચ્છતી હોય સુપ્રીમમાં સરકારે આ ચાર ઘોરાડ પક્ષીને જેસલમેર ખાતેના સંવર્ધન કેન્દ્રમાં અથવા રાજસ્થાનના સોરાસન ખાતેના કેન્દ્રમાં શિફ્ટ કરવાની રજુઆત કરી છે.
રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અન્ડર સેક્રેટરી દિપેશ રાજ દ્વારા 20 એપ્રિલે એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે કચ્છમાં હવે માત્ર 4 માદા ઘોરાડ પક્ષી જ બચ્યા છે. જેનું સ્થળાંતર કરવામાં આવે.
સુપ્રીમમાં દાખલ કરાયેલ એફિડેવિટ મુજબ, 2017 અને 2020 ની વચ્ચે, ગુજરાત અને રાજસ્થાનમાં વીજ લાઈનો સાથે અથડાવાથી છ ઘોરાડના મોત થયા હતા. ગુજરાતમાં 2014 અને 2017માં પણ કચ્છ જિલ્લાના નલિયા ખાતે એક-એક ઘોરાડ પક્ષીના મૃત્યુ નોંધાયા હતા. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના વરિષ્ઠ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તેઓ 2013 થી ગુજરાતને ચેતવણી આપતા હતા જ્યારે ચાર નર ઘોરાડ હયાત હતા, પરંતુ કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હતા. તેને પરિણામે નરમાંથી એક પણ ઘોરાડ હવે જીવતા રહ્યા નથી.
રાજે વધુમાં જણાવ્યું હતું કે ખેતીની જમીન હેઠળના ભૂગર્ભ કેબલ ખેડૂતો માટે અસુરક્ષિત હોઈ શકે છે કારણ કે ખોદકામ પ્રવૃત્તિઓ તેમને ઇલેક્ટ્રિક શોકના જોખમમાં મૂકે છે.વધુમાં, રાજ્ય સરકારનું કહેવું છે કે બર્ડ ડાયવર્ટર્સનો પુરવઠો મર્યાદિત છે. એફિડેવિટ મુજબ, “બર્ડ ડાયવર્ટર ઉમેરવાથી લાંબા ગાળે ફેઝ વાયર માટે સમસ્યા ઊભી થઈ શકે છે કારણ કે તેનું વજન કંડક્ટરની મજબૂતાઈને અસર કરશે અને તેને નુકસાન પહોંચાડી શકે છે.”
સોલાર પાવર ડેવલપર્સ એસોસિએશનને ટાંકીને, સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું હતું કે બન્ને રાજ્યોમાં ઘોરાડના નિવાસોની નજીક પાવર લાઇન પર 38,818 બર્ડ ડાયવર્ટર્સ પહેલેથી જ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને 33,453 વધુ ઇન્સ્ટોલ થવાની પ્રક્રિયામાં છે.ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડએ પહેલાથી જ 18,000 ડાયવર્ટર્સ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે.