રાજકોટવાસીઓને અસર કરતા પાણી પ્રશ્ર્ને ચર્ચા કરવાની માંગણી સાથે કોંગી કોર્પોરેટરોએ બોર્ડ માથે લીધું: મહિલા નગરસેવિકાઓએ કર્યો મેયરનો ઘેરાવ
ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોનો પાણી પ્રશ્ર્ને સામસામે ઉગ્ર સુત્રોચ્ચાર: પ્રશ્ર્નોતરી કાળ હંગામામા વેડફાયો
રાજકોટ મહાપાલિકામાં આજે સવારે મેયર ડો.જૈમિનભાઈ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષ કોંગ્રેસે પાણી પ્રશ્ર્ને આજે ખરાઅર્થમાં પાણી બતાવ્યું હતું અને એક સક્ષમ વિપક્ષની ભૂમિકા અદા કરી હતી. લાખો લોકોને સીધી અસર કરતા પાણી પ્રશ્ર્ને ચર્ચા કરવાની માંગણી સાથે કોંગી કોર્પોરેટરોએ જનરલ બોર્ડને માથે લીધું હતું તો બીજી તરફ કોંગી નગરસેવિકાઓએ વ્હેલ સુધી ધસી જઈ મેયરનો ઘેરાવ કર્યો હતો. બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ પાણી પ્રશ્ર્ને સામસામા ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. જો કે એક પણ પ્રશ્ર્નની તંદુરસ્ત ચર્ચા વિના વધુ એક વખત બોર્ડનો પ્રશ્ર્નોતરીકાળ હંગામામાં વેડફાય ગયો હતો.
જનરલ બોર્ડની બેઠક પૂર્વે આજે કોંગી કોર્પોરેટરોએ આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપતા કોર્પોરેશન કચેરીના દરવાજા પાસે ગાય માતાનું પુજન કર્યું હતું. બોર્ડના આરંભ બાદ પ્રશ્ર્નોતરી કાળમાં પ્રથમ ક્રમે ભાજપના નગરસેવક અશ્ર્વિનભાઈ ગોરણીયાના એસ્ટેટ શાખાને લગતા સવાલ પર ચર્ચા થઈ રહી હતી અને મ્યુ.કમિશનર બંછાનિધી પાની એક પછી એક પ્રશ્ર્નનો જવાબ આપી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં કોંગી કોર્પોરેટરોએ એવી માંગણી કરી હતી કે શહેરમાં દુષિત પાણીના કારણે તાજેતરમાં ત્રણ વ્યકિતઓના મોત થયા છે. ત્યારે આજે બોર્ડમાં માત્ર પાણી પ્રશ્ર્નની ચર્ચા થવી જોઈએ. જે માંગણી સભાગૃહના અધ્યક્ષ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયએ ન સ્વિકારતા કોંગ્રેસે ભારે હંગામો મચાવ્યો હતો.
પાણી આપો…પાણી આપો નહીંતર રાજીનામા આપો… અને પાણી વગરનો ‚પાણી તેવા વ્યાપક સુત્રોચ્ચાર પોકાર્યા હતા તો સામાપક્ષે ભાજપના નગરસેવકોએ પણ વગર વરસાદે રાજકોટમાં પાણી વાહ..રે મોદી, વાહ…રે ‚પાણી, નર્મદા આવ્યા આજી વિકાસની થશે વનરાજી.. તેવા સુત્રોચ્ચાર પોકાર્યા હતા. સતત ૪૫ મિનિટ સુધી પાણી પ્રશ્ર્ને જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોએ સામસામા સુત્રોચ્ચાર પોકાર્યા હતા. પાતળી બહુમતી સાથે સતા ભોગવી રહેલા ભાજપને આજે કોંગ્રેસે વિપક્ષની તાકાત દેખાડી દીધી હતી. પાણી પ્રશ્ર્ને જ ચર્ચા કરવાની માંગ પર કોંગ્રેસના તમામ નગરસેવકો અડગ રહ્યા હતા અને બોર્ડમાં પાણી સિવાયનો એક પણ પ્રશ્ર્નની ચર્ચા કરવા દીધી ન હતી. કોંગ્રેસના નગરસેવિકાઓ પાણી પ્રશ્ર્ને ચર્ચા કરવાની માંગ સાથે મેયરની વ્હેલ સુધી ધસી ગયા હતા અને મેયરનો ઘેરાવ કર્યો હતો. આ વેળાએ ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ઉર્વશીબેન પટેલ વચ્ચે શાબ્દીક ટપાટપી પણ થઈ હતી.
દુષિત પાણી પીવાના કારણે શહેરમાં ત્રણ-ત્રણ નાગરિકોએ પોતાના જીવ ખોયા છે ત્યારે બોર્ડમાં પાણી પ્રશ્ર્ને ચર્ચા થવી જોઈએ તેવી કોંગ્રેસની માંગ વ્યાજબી હોવા છતાં સતાધારી પક્ષ ભાજપે પોતાની રાજહઠ છોડી ન હતી. સતત ૪૫ મિનિટ સુધી બોર્ડમાં હંગામો ચાલ્યો હોવા છતાં ભાજપના શાસકો પાણી પ્રશ્ર્ને તંદુરસ્ત ચર્ચા કરવાથી દુર ભાગ્યા હતા.
બોર્ડમાં પોતાની વાતનો સ્વિકાર ન કરાતા કોંગી કોર્પોરેટરો વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં પાણી પ્રશ્ર્ને રજુઆત કરવા માટે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયની ચેમ્બરમાં ધસી આવ્યા હતા અને તેઓએ મેયરને એવો પડકાર ફેંકયો હતો કે મોટાભાગના વોર્ડમાં દુષિત અને ગંદુ પાણી આવે છે. જેના માટે તેઓ સ્થળ પર ચેકીંગ માટે આવે. દરમિયાન મેયરે દુષિત પાણી અંગેની ફરિયાદ મળ્યે તાત્કાલિક જે-તે વિસ્તારમાં તપાસ હાથ ધરવાની તાકીદ કરી હતી. દોઢ વર્ષ બાદ કોંગ્રેસે આજે ખરાઅર્થમાં વિપક્ષની ભૂમિકા ભજવી હતી અને પાણી પ્રશ્ર્ને ભાજપના શાસકોને બેકફુટ પર ધકેલી દીધા હતા.
રાજકોટમાં પાણી આવે તેનો કોંગ્રેસને વાંધો છે: ઉદય કાનગડનો ટોણો
પાણી પ્રશ્ર્ને આજે કોંગ્રેસે બોર્ડ માથે લેતા પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડે સભાગૃહમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે હાલ કોઈ મુદ્દો નથી. ૬૫ વર્ષ દેશમાં શાસન કર્યું ત્યારે કોંગ્રેસને ગાય માતા યાદ આવ્યા ન હતા. રાજકોટમાં પાણી આવે અને આજી ડેમ નર્મદાના નીરથી છલકાય તેની સામે કોંગ્રેસને વાંધો છે. કોંગી નેતાઓ ઈટાલીયન ચશ્મા કાઢીને જોવે તો ખબર પડે કે રાજકોટમાં એક પણ સ્થળે પાણીની કોઈ સમસ્યા છે જ નહીં.
ગૌહત્યાનો કાયદો કડક બનાવતા રાજય સરકારને અભિનંદન પાઠવતો ઠરાવ
રાજયની વિજયભાઈ ‚પાણીની સરકારે તાજેતરમાં ગુજરાતમાં ગૌહત્યાના કાયદાની કડક અમલવારી માટે ઠરાવ પસાર કર્યો છે. જેમાં ગૌહત્યા કરનારને આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદો પસાર કરવા માટે રાજકોટ મહાપાલિકામાં આજે મળેલા જનરલ બોર્ડમાં રાજય સરકારને અભિનંદન પાઠવતો ઠરાવ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યો હતો. અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ મુકવામાં આવતા ભાજપના તમામ કોર્પોરેટરોએ ઠરાવને બહાલી આપી હતી. આ ઉપરાંત જનરલ બોર્ડમાં ત્રણ અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેમાં ગોંડલ રોડ પર મહાપાલિકાની જમીન બજાર કિંમતના અડધા ભાવે શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય ટ્રસ્ટને આપવા, રેલનગર અને મોરબી રોડ બ્રીજનું નામકરણની દરખાસ્તો પણ બહુમતીથી પસાર થઈ હતી.