અબતક, રાજકોટ
બહારની પાણીપુરી ખાવાના શૌખીન રાજકોટવાસીઓ માટે ચેતી જવા જેવું છે. પાણીપુરીના માવા અને અલગ-અલગ પ્રકારના પાણી તથા ચટ્ટણીમાં ઝાડા-ઉલ્ટી અને આંતરડાના ગંભીર રોગ ફેલાવતા ઇ-કોલોની નામના બેક્ટેરીયાની હાજરી મળી આવતાં પરિક્ષણમાં પાંચ નમૂના નાપાસ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મસ્કા અમેરિકન આઇસ્ક્રીમમાં ફૂટ કેટેગરી દર્શાવેલી ન હોવાના કારણે પરિક્ષણમાં સેમ્પલ ફેઇલ થયાનું જાહેર કરવામાં આવ્યું છે.
સાધના ભેળ, જય જલારામ પાણીપુરી, બોમ્બે સ્ટાઇલ ભેળવાળા, નારાયણ દિલ્હી ચાટવાળામાંથી લેવાયેલાં પાણીપુરીના માવા, ખજૂરની પાણી, બટેટાનો મસાલો અને ખજૂરની ચટ્ટણીનો નમૂનો ફેઇલ : આઇસ્ક્રીમમાં ફૂટ કેટેગરી દર્શાવી ન હોય સેમ્પલ નાપાસ
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા પુરૂષાર્થ મેઇન રોડ પર જય જલારામ પાણીપુરીમાંથી પાણીપુરીના માવો, ગોંડલ રોડ પર સાધના ભેળમાંથી ખજૂરનુ મીઠુ પાણી, સર્વેશ્ર્વર ચોકમાં બોમ્બે સ્ટાઇલ ભેળવાળામાંથી પાણીપુરીનો બટાકાનો મસાલો, 25 ન્યૂ જાગનાથમાં નારાયણ દિલ્હી ચાટવાળાને ત્યાંથી ખજૂરની ચટ્ટણી અને પાણીપુરીના બટાટાનો મસાલોનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણમાં ઇ-કોલોની બેક્ટેરિયાની હાજરી મળી આવી હતી. આ બેક્ટેરીયાથી ઝાડા-ઉલ્ટી અને આંતરડાના ગંભીર રોગ ફેલાય છે.
અનહાયજેનિંગ ક્ધડીશનના કારણે આ બેક્ટેરીયાનું પ્રમાણ વધે છે. આરોગ્ય માટે જે ખૂબ જ ખતરનાક હોય છે. આ ઉપરાંત પેડક રોડ પર રવિરાજ રેફ્રિજરેશનમાંથી મસ્કા, અમેરિક ડ્રાયફ્રૂટ્સ આઇસ્ક્રીમનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં ફૂડ કેટેગરી દર્શાવવામાં ન આવેલી હોવાને કારણે સેમ્પલ પરિક્ષણમાં નાપાસ થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.આરોગ્ય શાખા દ્વારા કોઠારીયા રોડ વિસ્તારમાં અલગ-અલગ 20 દુકાનો અને રેકડીમાં ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું. જેમાં વાસી અખાદ્ય 4 કિલો રગડો, 4 કિલો વાસી બટાટા અને 2 કિલો સોસ અને 2 કિલો મીઠી ચટણીનો નાશ કરવામાં આવ્યો છે.