રૈયા રોડ પર શિવપરામાં પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય શાખાનું ચેકિંગ: ખોડિયાર દુગ્ધાલયમાંથી બટર, ઘી અને દુધના નમુના લેવાયા

મહિલાઓ હોંશે હોંશે રાજમાર્ગો પર રેકડીઓ ઉભા રહીને આરોગતી પાણીપુરી આરોગ્ય માટે ખતરનાક હોવાની વધુ એક વખત પુરવાર થઈ ગયું છે. શહેરના રૈયા રોડ પર શિવપરા વિસ્તારમાં આજે આરોગ્ય શાખાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન પાણીપુરીનું પાણી બનાવવામાં વપરાતા પાણીમાંથી મચ્છરોના લારવા મળી આવતા ખુદ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.

આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, શહેરના રૈયા રોડ પર આવેલા શિવપરા વિસ્તારમાંથી ચિકનગુનિયાનો એક કેસ મળી આવતા આજે આ વિસ્તારમાં આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને શિવપરા વિસ્તારમાં રહેતા પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાણીપુરીના ધંધાર્થીઓ દ્વારા પાણીપુરીનું પાણી બનાવવા માટે જે પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમાંથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવો રોગ ફેલાવતા મચ્છરના લારવાઓ મળી આવ્યા હતા. આ પાણી ઉપરાંત ચણા, બટેટાનો મસાલો અને પાણીપુરીની પુરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. શિવપરા વિસ્તારમાં આજે ૧૨૪ ઘરોમાં મચ્છરોના નાશ માટે ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ત્યારબાદ આરોગ્ય શાખાનો કાફલો રૈયા મેઈન રોડ પર રૈયા ચોકડી પાસે આવેલા આઈશ્રી ખોડિયાર દુગ્ધાલયમાં ત્રાટકયો હતો. ભુપતસિંહ નથુજી ચાવડાની માલિકીની આ ડેરીમાંથી બટર, શુઘ્ધ ઘી અને ભેંસના દુધનો નમુનો લેવામાં આવ્યો હતો. જયારે વાસી ૧૨૦ લીટર દુધ તથા દહીંના ૧૫૬ કપનો નાશ કરવામાં આવ્યો હતો. ચોમાસાની સીઝનમાં રોગચાળો ન વકરે તે માટે આરોગ્ય શાખા દ્વારા આગામી દિવસોમાં પણ ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.