મહેસાણાના વિસનગરમાં પણ નવા વાયરસનો એક કેસ નોંધાયો: રાજ્યભરમાં આરોગ્ય તંત્રી એલર્ટ
સ્વાઇન ફ્લુના નવા વેરિઅન્ટ મનાતા એચથ્રીએનટુ વાયરસ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં મંગળવારે આ નવા વાયરસે પ્રથમ ભોગ લીધા બાદ રાજ્યમાં વધુ બે નવા કેસ મળી આવ્યા છે. એચથ્રીએનટુના વધતા આક્રમણને ખાળવા રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ટેસ્ટીંગ વધારી દેવા તાકીદ કરવામાં આવી છે.
રાજ્યમાં એક તરફ દિન-પ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે. બીજી તરફ એચથ્રીએનટુ વાયરસે પણ હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. ગઇકાલે વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં રહેલી 58 વર્ષીય પ્રોઢાનું શંકાસ્પદ નવા વાયરસથી મોત નિપજ્યા બાદ રાજ્યમાં મંગળવારે જ નવા વાયરસના નવા બે કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમાં અને ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં નવા એચથ્રીએનટુ વાયરસના બે કેસ મળી આવ્યા છે.
રાજ્યમાં તમામ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતને એલર્ટ મોડ પર રહેવા તાકીદ કરવામાં આવી છે. ટેસ્ટીંગ વધારવા આદેશ આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ મહેસાણા અને ભાવનગરમાં નવા વાયરસના કેસ મળી આવતા દર્દીના પરિવારના સભ્યો અને સંપર્કમાં આવેલા લોકોના લોહીના નમૂના લેવાયા છે. પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
નવી ઉપાધિ: કોરોનાના કેસમાં એક જ દિવસમાં 25 ટકાનો ઉછાળો
મંગળવારે નવા 58 કેસ નોંધાયા, 50 ટકાથી વધુ એક એકલા અમદાવાદમાં: રાજકોટમાં પણ પાંચ કેસ મળી આવતા ફફડાટ
છેલ્લા ત્રણ વર્ષથી હાહાકાર મચાવી રહેલા કોરોનાએ ફરી લોકોને ઉપાધિમાં મૂકી દીધા છે. મંગળવારે એક જ દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં 25 ટકાનો તોતીંગ ઉછાળો નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે બેવડી સિઝનનો અનુભવ થઇ રહ્યો છે. જેના કારણે રોગચાળો પણ વકર્યો છે. રાજ્યમાં સોમવારે કોરોનાના નવા 45 કેસ નોંધાયા હતા. દરમિયાન ગઇકાલે મંગળવારે એક જ દિવસમાં
કોરોનાના કેસમાં 25 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે નવા 58 કેસ નોંધાયા હતાં. અમદાવાદમાં નવા 31 કેસ, રાજકોટ શહેર-જિલ્લામાં 5 કેસ, સુરત અને વડોદરામાં ચાર-ચાર કેસ, અમરેલી જિલ્લામાં 3 કેસ, મહેસાણામાં બે કેસ, જ્યારે ગાંધીનગર, ગીર સોમનાથ, પોરબંદર અને સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયા છે. એક્ટિવ કેસનો આંક 268એ પહોંચ્યો છે. જે પૈકી પાંચ દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે. માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં ફરી કોરોનાનું સંકટ વધ્યું છે. કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આગામી દિવસોમાં નવી ગાઇડલાઇન આવી શકે છે.