રાજયનાં 206 જળાશયો પૈકી 198 જળાશયોમાં 70 ટકાથી પણ ઓછુ પાણી: અન્ય ઝોનની સરખામણીએ સૌરાષ્ટ્રની સ્થિતિ થોડી સારી: ચૂંટણી વર્ષમાં જ પાણી સરકારને પરસેવો વાળી દેશે
પાણી સરકાર બનાવતી હોય છે અને સરકારને ઘરભેગી પણ કરી દેતી હોય છે. ગુજરાતમાં ચૂંટણી વર્ષમાં જ પાણીનો પોકાર સર્જાય તેવા ભણકારા વાગી રહ્યા છે. હાલ સ્થિતિ ચિંતાજનક નથી પરંતુ ન કરે નારાયણ અને જો ચોમાસું મોડુ શરૂ થાય અને વરસાદ ખેંચાય તો પાણીદાર ગુજરાત નપાણીયું બની જશે. સરદાર સરોવર સિવાયના રાજયના 206 જળાશયો પૈકી 198 ડેમોમાં 70 ટકાથી પણ ઓછુ પાણી છે. ચોમાસાની આડે હજી દોઢ મહિનો બાકી છે તો સમયસર વરસાદ નહી પડેતો ગામે ગામ પાણીની હાડમારી સર્જાશે.
રાજયના સરદાર સરોવર સહિતના 207 જળાશયોમાં 49.69 ટકા પાણી છે. નર્મદાડેમમાં 2021માં 5527 એમસીએમ પાણી સંગ્રહિત હતુ. જેની સરખામણીએ આ વર્ષ 5070 એમસીએમ પાણીસંગ્રહિત છે. ગત વષ કરતા 457 એમસીએમ પાણીની ઘટ છે. ઉતર ગુજરાતનાં 15 ડેમમાં 2021માં 561 એમસીએમ પાણી હતુ જયારે આ વર્ષ માત્ર 282 એમસીએમ પાણી છે. સેન્ટ્રલ ગુજરાતનાં 17 ડેમમાં ગત વર્ષ 1257 એમસીએમ પાણી હતુ જેની સામે હાલ 1018 એમસીએમ પાણી છે.
દક્ષિણ ગુજરાતનાં 13 ડેમમાં 8625 એમસીએમ કેપેસીટીની સરખામણીએ ગત વર્ષ 4475 અમેસીએમ પાણી સંગ્રહિત હતુ જેની પાસે આ વર્ષ 5106 એમસીએમપાણી સંગ્રહિત છે. કચ્છના 10 જળાશયોમાં ગત વર્ષ 91.9 એમસીએમ પાણી સંગ્રહિત હતુ જયારે આ વર્ષ માત્ર 64.3 એમસીએમ પાણી સંગ્રહિત છે. જયારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 2551 અમેસીએમની કેપેસીટી સામે ગત વર્ષ આજના દિવસે 864 એમસીએમ પાણી સંગ્રહિત હતુ જેની સામે આ વર્ષ 61 અમેસીએમ વધુ અર્થાત 925 એમસીએમ પાણી સંગ્રહિત છે.
રાજયના કુલ 207 જળાશયોમાં ગત વર્ષ મે માસમાં 12775 એમસીએમ પાણી સંગ્રહિત હતુ જેની પાસે હાલ 12466 એમસીએમ પાણી સંગ્રહિત છે. રાજયના માત્ર એક જ ડેમમાં 90 ટકાથી વધુ પાણી છે. જયારે 7 ડેમમાં 80 ટકા સુધી પાણી ભરેલું છે. જયારે 198 ડેમમાં 70 ટકાથી ઓછુ સંગ્રહિત છે.પાણીની સમસ્યા સર્જાતા ભૂતકાળમાં ગુજરાતની જનતાએ સરકારને પણ ઘરભેગી કરી દીધી છે.
તો કારમા દુષ્કાળમાં પણ જનતાને પાણી પુરૂ પાડનાર રાજયના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાને આજે પણ પાણીવાળા મેયર તરીકે રાજકોટની જનતા યાદ કરી રહી છે. પાણી જળાશયમાં હોય કે ન હોય સરકારમાં જો પાણી હોયતો જનતાને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. હાલ સ્થિતિ ભલે ચિંતાજનક દેખાતી ન હોય પરંતુ આજની તારીખે રાજયના જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ 31 મિલિયન કયુબિક મીટર પાણીની ઘટ છે. જો ચોમાસું મોડુ બેસશે અને વરસાદ ખેંચાશે તો ચૂંટણી વર્ષમાં પાણીનો પોકાર સર્જાશે.