‘‘પાણી એટલે પ્રાણ’’. પાણી વિના આપણા જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. એટલે જ તો જાણીતી કહેવત છે કે, પાણી અને વાણી વિચારીને વાપરો, બંનેમાં પુષ્કળ તાકાત અને અખૂટ ઊર્જા છે. પાણી જીવનનો આધાર છે તો વાણી વ્યક્તિત્વનો. પાણીના મહત્વને સમજાવવા અને તેના વ્યયને અટકાવવા માટે દર વર્ષે તા. ૨૨ માર્ચે સમગ્ર દુનિયામાં વિશ્વ જળ દિવસની ઉજવણી થાય છે. ત્યારે વલસાડ જિલ્લાના બહુધા આદિવાસી વસ્તી ધરાવતા ધરમપુર તાલુકાના ડુંગરાળ પ્રદેશમાં આવેલુ પંગારબારી ગામ જળક્રાંતિ, જળસંચય અને જળ વ્યવસ્થાપનનું ઉત્તમ દ્રષ્ટાંત સમગ્ર પંથકને પુરૂ પાડી રહ્યું છે.
આ ગામની બીજી ખાસ વાત એ છે કે, આ ગામમાં પાણીનો સમગ્ર વહીવટ ૧૦૦ ટકા મહિલા સંચાલતિ પાણી સમિતિ દ્વારા થઈ રહ્યો છે. જે મહિલા સશક્તિરણની પણ અજોડ મિશાલ પુરી પાડે છે. ઘરમાં રસોઈ બનાવવાથી માંડીને કપડા ધોવા કે, ખેતીવાડી, પશુપાલન અને ઉદ્યોગો સહિત બધી જ જગ્યા એ પાણી એ આપણી રોજિંદી જીંદગીમાં ખુબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સમગ્ર વિશ્વ પાણીની અગત્યતા સમજે તે માટે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૧૯૯૩ માં નિર્ણય લીધો કે, પાણીના સંરક્ષણ અને તેના મહત્વ વિશે જાગૃતિ લાવવા એક અલગ દિવસ હોવો જોઈએ અને પ્રથમ વખત આ દિવસની ઉજવણી તા. ૨૨ માર્ચ, ૧૯૯૩ માં થઇ હતી. આ દિવસે દુનિયામાં જળ સંકટને પહોંચી વળવા, ચર્ચાઓને પ્રોત્સાહન આપવા અને પાણી બચાવવાના મહત્વ વિશે જાગૃતિ વધારવા પ્રયાસ થાય છે. પાણીના ટીપે ટીપાના સદુપયોગની નેમ ધરાવતા ધરમપુરના પંગારબારી ગામની મહિલાઓએ પાણીને બચાવવા માટે પાણીદાર ઉપાયો અને અભિગમો અપનાવ્યા છે.
સંઘર્ષથી સુખાકારીની કેડી કંડારનાર પંગારબારી ગામના પાણીદાર સરપંચ અને પાણી સમિતિના અધ્યક્ષ સરસ્વતી પાડવી જણાવે છે કે, પંગારબારી ગામ ડુંગર પર આવેલુ હોવાથી ચોમાસાના પાણીનો સંગ્રહ થઈ શકતો ન હતો, બોરમાંથી પાણી મળે તેમ ન હતું. ગામની મહિલાઓએ માથે બેડા મુકી ૫ કિમી દૂર પાણી ભરવા જવુ પડતુ. પરંતુ ‘‘નારી તુ નારાયણી’’ની ઉક્તિને ગામની મહિલાઓએ સાર્થક કરી હાર નહી માની અને પાણી માટે સંઘર્ષ જારી રાખ્યો હતો, આફતને અવસરમાં પલટી, નવા નવા અભિગમો અપનાવ્યા, આખરે આજે અમારા ગામમાં પાણીની સુખાકારી જોવા મળે છે. પહેલા અમારા ગામમાં ટેન્કર રાજ હતું. જેમાં કોઈકને પાણી મળતુ તો કોઈકને ન પણ મળતું. હેન્ડપંપ અને કૂવા હતા પણ ઉનાળામાં સુકાઈ જતા હતા. આ સમસ્યાને ઉકેલવા માટે રાજ્ય સરકારની ૮૦ ટકા સહાય અને ગામના લોકોની ૨૦ ટકા લોક ભાગીદારી સાથે વર્ષ ૨૦૦૮માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ યોજનાનો લાભ લઈ વરસાદી પાણીના સંગ્રહ માટે ગામમાં ૧૫ હજાર લીટર, ૧૨૫૦૦ લીટર અને ૧૦ હજાર લીટરના ૩ ભૂગર્ભ ટાંકા બનાવ્યા હતા.
જેમાં પાણીનો સંગ્રહ કરાતો હતો. આ સિવાય રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ ગામના તમામ ઘરોમાં અપનાવી હતી. તમામ ઘરો પર પનાર બાંધી પાઈપલાઈન દ્વારા પાણી ભૂગર્ભ ટાંકા અને હેન્ડપંપમાં ઉતારવામાં આવતું હતું. જેથી પાણીની મહદઅંશે તકલીફ દૂર થઈ પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ખરા અર્થમાં અમારી તકલીફ દૂર થઈ હતી. અસ્ટોલ યોજનાનો લાભ મળતા અમારા ગામની કુલ વસ્તી ૧૯૦૨ મુજબ ફળિયે ફળિયે ૩૫ હજાર લીટર, ૪૦ હજાર લીટર, ૩૦ હજાર લીટર, ૩૦ હજાર લીટર, ૩૦ હજાર લીટર અને ૪૦ હજાર લીટરની ૬ ટાંકી બનાવવામાં આવી હતી. જેમાંથી દરેક ઘર આંગણે ૩૧૫ નળ કનેકશન આપવામાં આવ્યા છે. વધારાનું પાણી ભૂર્ગભ ટાંકામાં સ્ટોરેજ કરવામાં આવે છે જે ઉનાળામાં સંકટ સમયે ઉપયોગી થાય છે. દરરોજ ૨.૦૫ લાખ લીટર પાણીની જરૂરીયાતનું સંચાલન પાણી સમિતિની ૧૧ મહિલાઓ કરી રહી છે. સરકારની યોજનાના લાભ અંગે તેઓ વધુમાં જણાવે છે કે, મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના ૨૦૨૪–૨૫ હેઠળ ૭૦ ટકા કે તેથી વધુ મહિલા સભ્યો ધરાવતી પાણી સમિતિને પ્રોત્સાહન આપવા રૂ. ૫૦ હજારનો પુરસ્કાર આપવામાં આવે છે. અમારા ગામમાં પાણી સમિતિ ૭૦ ટકા નહી પરંતુ ૧૦૦ ટકા મહિલા સંચાલિત છે.
જેથી રૂ. ૫૦ હજારની રકમ મળી હતી જે બેંક ખાતામાં જમા છે. આ સિવાય બહેનો ૧૮ દિવસની કાર્યશાળાની તાલીમ આપવામાં આવી હતી. આજે અમારા ગામમાં પાણીની કોઈ સમસ્યા રહી નથી જે બદલ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો હ્રદયપૂર્વક આભાર માનીએ છે. બોક્ષ મેટર પહેલા અમારા ગામમાં કોઈ છોકરી લગ્ન કરી આવવા તૈયાર થતી ન હતીઃ બાનાબેન પાડવી પંગારબારી ગામમાં રહેતા બાનાબેન પાડવીએ જણાવ્યું કે, પહેલા દૂર પાણી ભરવા જવુ પડતુ તેમાં અમારા અડધો દિવસ નીકળી જતો હતો હવે રોજ સવારે બે કલાક શુધ્ધ પાણી આપવામાં આવે છે. ઘર આંગણે જ પાણી મળતા અમે ઘર કામ અને ખેતીવાડીનું કામ પણ શાંતિથી કરી શકીએ છે. પહેલા પાણી આવતુ ન હતું તો અમારા ગામમાં કોઈ છોકરી લગ્ન કરીને આવવા પણ તૈયાર થતી ન હતી. હવે એ સમસ્યા રહી નથી. બોક્ષ મેટર પાણીને લગતા તમામ પ્રશ્નો મહિલા સંચાલિત પાણી સમિતિ જ હલ કરે છેઃ દર્શના પાડવી પાણી સમિતિની પેટા સમિતિના અધ્યક્ષ દર્શના પાડવીએ જણાવ્યું કે, પાણીની સમિતિની બહેનો ગામમાં પાણીનો વ્યય ન થાય, પાણીની લાઈન તૂટે તો તેની મરામત, પાણીનું મહત્વ સમજાવવા સહિતની કામગીરી સુપેરે સંભાળે છે.
ગામમાંથી નળ કનેકશન દીઠ દર મહિને રૂ. ૫૦ પાણી વેરો ઉઘરાવવામાં આવે છે જેમાંથી પાણીને લગતા ખર્ચ કરવામાં આવે છે. પાણીને લગતા કોઈ વાદ વિવાદ થાય તો તેને પણ મહિલાઓ મળી હલ કરે છે. મહિનામાં એક વાર મીટિંગ કરીએ છે જેમાં ગામમાં પાણીને લગતા કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ લાવવામાં આવે છે. બોક્ષ મેટર જિલ્લામાં મહિલા સંચાલિત સૌથી વધુ પાણી સમિતિ ધરમપુર તાલુકામાં વલસાડ જિલ્લાના વાસ્મોના યુનિટ મેનેજર એચ.એમ.પટેલે જણાવ્યું કે, ગામડામાં પાણી સમિતિમાં કુલ ૧૨ સભ્ય હોય છે. જેના અધ્યક્ષ સરપંચ અને સભ્ય સચિવ તલાટી હોય છે. જ્યારે બાકીના ૧૦ સભ્યોમાં ૩ પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને બાકીના ૭ સભ્યો ફળિયા પ્રમાણે હોય છે. મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ ૭૦ ટકા કે તેથી વધુ મહિલા સભ્યો ધરાવતી પાણી સમિતિ વલસાડ જિલ્લામાં કુલ ૬૬ છે. જેમાંથી સૌથી વધુ ધરમપુર તાલુકામાં ૩૯ છે. જ્યારે કપરાડામાં ૧૦, વલસાડમાં ૮, પારડીમાં ૬, ઉમરગામમાં ૨ અને વાપીમાં ૧ છે. જેઓ ગામમાં પાણી વ્યવસ્થાપનનું સંચાલન સંભાળે છે.