મારામાં રહેલી નિપુણતા નિ:સ્વાર્થ ભાવે ભગવાનને ચરણે ધરવી આજ સાચી ભકિત છે.તેવા મંત્ર આપવાની સાથોસાથ ભકિતએ સામાજીક શકિત છે. અને આવી ભકિત દ્વારા જ સમાજમાં પરિવર્તન અને ક્રાંતીનું સર્જન થાય છે. તે બાબત સાબિત કરી અને ભકિતની બેઠક ઉપર સમાજમાં સામાજીક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્રાંતી કરવાની સાથે લાખો મનુષ્યમાં ગૌરવ ઉભુ કરનાર મહાન ઋષિતુલ્ય સંત એટલે પાંડુરંગ શાસ્ત્રીજી લોકોમાં મનુષ્ય તરીકેનું ગૌરવ ઉભું કર્યું હોવાથી પૂ.દાદાનો જન્મદિવસ ૧૯ ઓકટોબર મનુષ્ય દિન તરીકે દેશ અને દુનિયામાં ઉજવાય છે.
પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીનો જન્મ ૧૯ ઓકટોબર ૧૯૨૦માં થયો, પિતા વૈજનાથ શાસ્ત્રી અને માતા પાર્વતીબેનના ઘરમાં વૈદિક પરંપરા જીવીત હતી. તેથી શ્રી દાદાના જીવનમાં વૈદિક પરંપરાનાં સંસ્કારોનું સિંચન નાનપણથી જ થયું.
ભકિતની આ ક્રાંતીકારી વિચારધારાએ સમાજ પર ઉંડો પ્રભાવ પાડયો.દાદાના વિચારોથી માત્ર નાત, જાત, કોમ, ધર્મ કે ઉચનીચના ભેદભાવો જ નહી, પણ વિચાર અને ભાષાના ભેદ પણ ભકિતની દ્રષ્ટિએ, ભૂંસાયા, વિભાજીત થયેલા લોકો એકબીજાની નજીક આવે, ભાવપૂર્વક જોડાય, તેવા શુભહેતુથી દાદાએ ભાવફેરી ભકિતફેરી શરૂ કરી, ગામડે ગામડે સ્વખર્ચે સ્વાધ્યાય પરિવારના સભ્યો જવા લાગ્યા અને દાદા વતી દાદાનું કામ કરવા લાગ્યા દાદાની આ ભાવફેરીથી લોકો ખૂબજ પ્રભાવિત થયા. માત્ર લોકો જ નહી પણ મુંબઈનો ફિલ્મોદ્યોગ પણ પ્રભાવિત થયો. આર્ટ ફિલ્મ માટે જાણીતા શ્યામબેનેગલે દાદાની આ પ્રવૃત્તિને મુખ્ય વિષય બનાવી ઈ.સ. ૧૯૯૧માં આંતર્નાદ નામની ફિલ્મ બનાવી, જેઘણી સફળ પણ રહી.