સુરક્ષા દળો તાત્કાલિક દોડી ગયા, આખો વિસ્તાર સીલ કરી દેવાયો : તપાસનો ધમધમાટ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘર પાસે બોમ્બ મળવાના સમાચાર સામે આવ્યા છે. આ બોમ્બ શેલ ભગવંત માનના ચંદીગઢ સ્થિત આવાસ પાસે બનેલા હેલીપેડથી થોડોક દૂર મળી આવ્યો છે. બોમ્બ મળવાની સૂચનાથી બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તાર હાઇ સિક્યોરિટી વાળો છે. જેથી આ વિસ્તારમાં બોમ્બ મળી આવવાથી હડકંપ મચી ગયો છે. જે સ્થળેથી બોમ્બ મળી આવ્યો છે ત્યાંથી હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરનું નિવાસસ્થાન પણ નજીક છે.
પંજાબ અને હરિયાણા સચિવાલય અને વિધાનસભા પણ બોમ્બ મળેલા સ્થળની નજીક છે. આ ઘટનાને લઇને માહિતી સામે આવી છે કે, ચંદીગઢના સેક્ટર-2માં વર્તમાન કોઠીથી થોડાક દૂર એક વ્યક્તિએ રાજિંદરા પાર્ક પાસે બોમ્બનો શેલ જોયો હતો. જેની સૂચના પોલીસને આપવામાં આવી હતી.
બોમ્બ મળવાની સૂચના પછી ત્યાં રહેલા જવાનોએ શેલની આસપાસ રેતથી ભરેલી બોરીયો રાખી દીધી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.