ટાઈફોઈડ, તાવ, મરડા અને કમળા સહિત રોગોમાં પણ દર્દીઓનો ઘરખમ વધારો: હોસ્પિટલો ઉભરાઈ
આરોગ્ય તંત્ર દ્વારા ૨૫ હજારથી વધુ ઘરોમાં દવાનો છંટકાવ: ૧૩૬ ખાણીપીણીના વેપારીઓને નોટીસ
રાજકોટ શહેરમાં વરસાદ થંભી જવા છતાં હજુ રોગચાળો અટકવાનું નામ ન લઈ રહ્યો હોય તેમ દિવસેને દિવસે ડેન્ગયુ, તાવ, મેલેરિયા, ઝાડા-ઉલ્ટી જેવા રોગોમાં શહેરીજનો ભોગ બનતા હોસ્પિટલોનાં ખાટલા દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે અને છેલ્લા એક અઠવાડિયામાં જ ડેન્ગ્યુ અને તાવમાં કારણે ત્રણનાં મોત નિપજયાનું પણ સામે આવી રહ્યું છે. વરસાદી સિઝનમાં મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગોએ માઝા મુકી હોય તેમ શહેરભરમાં રોગચાળો ફાટી નિકળ્યો છે. જેમાં ડેન્ગ્યુ જેવા ગંભીર તાવમાં પણ શહેરીજનો સપડાઈ રહ્યા છે. જયારે રાજકોટ સેન્ટ્રલ જેલનાં કેદીઓ પણ રોગચાળાનાં સકંજામાં આવી જતા આરોગ્યતંત્ર સફાળુ થયું છે.
શહેરભરમાં ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ, ઝાડા-ઉલ્ટીનાં કેસોમાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુનાં તાવનાં કારણે ત્રણનાં મોત નિપજયાનું પણ સામે આવી રહ્યું છે. છેલ્લા ૪૮ કલાકમાં જ રાજકોટમાં ૧૪ વર્ષનાં માસુમ બાળકનાં મોત બાદ ૧૮ વર્ષની યુવતીએ પણ તાવનાં કારણે દમ તોડયાનું નોંધાયું હતું. જયારે અન્ય એક દર્દીએ ડેન્ગ્યુની અસર થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેણે પણ દમ તોડતા લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. શહેરીજનો રોગચાળામાં સપડાઈ રહ્યા છે ત્યારે જયાં કોઈ પંખી પણ પાંખ ન મારી શકે તેવી રાજકોટ સેન્ટ્રલ જેલમાં પણ રોગચાળાએ ફકત પ્રવેશ નહીં પણ ધરા નાખ્યા હોય તેમ જેલમાં એક કેદીનું ડેન્ગ્યુનાં તાવથી મોત નિપજયું હતું. જયારે વધુ એક કેદીને ડેન્ગ્યુની અસર થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયારે અન્ય બે કેદીઓને મેલેરીયાની અસર થતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં લગભગ ૩૦૦૦થી પણ વધુ શહેરીજનો ડેન્ગ્યુનાં ભરડામાં આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે અને સાથે ત્રણ દર્દીઓનાં મોત નિપજયાનું પણ જાણવા મળી રહ્યું છે. રોગચાળા પર કાબુ મેળવવા માટે આરોગ્ય તંત્ર સફાળુ થયું હતું. ગત અઠવાડિયામાં સામાન્ય શરદી-તાવ-ઉધરસનાં જ ૧૬૮ કેસ નોંધાયા છે. જયારે ઝાડા-ઉલ્ટીનાં ૧૩૭ કેસ નોંધાયા છે. ટાઈફોઈડનાં ૨ કેસ નોંધાયા છે. સામાન્ય અને શંકાસ્પદ ડેન્ગ્યુનાં ૮૯ કેસ નોંધાયા છે અને ડેન્ગ્યુનાં ૪૧ જેટલા પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. દિન-પ્રતિદિન વધતા જતા કેસો સામે આરોગ્યતંત્રએ જહેમત ઉઠાવી છે.
રાજકોટમાં રામધામ મેઈન રોડ પર રહેતો માસુમ બાળક ડેન્ગ્યુની ઝપેટમાં આવી જતા સારવારમાં ખસેડવામાં આવતા તેનું ચાલુ સારવારમાં મોત નિપજતા આરોગ્યતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં શહેરભરમાં ૨૫ હજારથી પણ વધુ ઘરોનો સર્વે કર્યા બાદ ૮૧૫૦ ઘરોમાં મચ્છરોનાં નાશ માટે ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. સાથો સાથ ખાણી-પીણીની રેકડીઓ અને દુકાનો મળી ૨૩૬ જેટલી જગ્યાઓએ નોટીસ પણ ફટકારવામાં આવી હતી.
ઉપરાંત આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને ઝાડા-ઉલ્ટી જેવા રોગચાળા પર કાબુ મેળવવા લોકોમાં જાગૃતિ લાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. શહેરમાં તાવનાં કેસોમાં ઉછાળો આવ્યો હોય તેમ ગત માસ કરતા ચાલુ માસે દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં શરૂ થયેલા રોગચાળાનાં પ્રકરણો હજુ પણ લોકોમાં હાહાકાર મચાવી રહ્યા છે. ડેન્ગ્યુમાં જ ત્રણ દર્દીઓનાં મોત નિપજયા બાદ પણ હજુ હજારો દર્દીઓને ડેન્ગ્યુની અસર થઈ હોવાની શંકા સેવાઈ રહી છે. ડેન્ગ્યુનાં તાવ સાથો સાથ ટાઈફોઈડ અને સામાન્ય તાવનાં પણ કેસો નોંધાઈ રહ્યા છે. ગત અઠવાડિયામાં જ માત્ર ૪૬ કેસ મરડાના, કમળાનાં તાવના, મેલેરિયા અને અન્ય તાવનાં કેસો નોંધાયા હતા. શહેરભરમાં રોગચાળાના હાહાકાર સામે શહેરીજનોમાં ફફડાય મચી રહ્યો છે. તો આરોગ્ય તંત્રના અથાગ પ્રયાસ છતા પણ રોગચાળા પર કાબુ મેળવવામાં સફળતા મળી ન હતી.
ગત અઠવાડીયે જ શહેરમાં ૧૪ વર્ષના બાળકને ડેંગ્યુ ભરખી ગયા બાદ વધુ એક ૧૮ વર્ષની યુવતીને તાવ આવતો હોવાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેણીએ પણ સારવારમાં દમ તોડયો હતો.
મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં ફસાયેલા દર્દીઓ અને લોકોને જકડી રહ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરો ના નાશ માટે ઠેર ઠેર દવાઓનો છંટકાવ અને ખાણી પીણીના સ્થળો પર જઈ ચેકીંગ અને ભરાયેલા પાણીમાં પણ મચ્છરોનો નાશ કરવા માટે દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. છતા પણ તાવ શરદી ઉધરસ સાથે ડેંગ્યુ મલેરીયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.