આખરી દર્શન કરતા હું, અબ મેં વિસર્જન કરતા હું !
નવ નવ દિવસ સુધી ગણપતિદાદાની આરાધના કર્યા બાદ ભાવિકોએ “અગલે બરસ જલ્દી આના” ના નાદ સાથે કર્યુ વિસર્જન
સતત નવ નવ દિવસ ભારે ભકિતભાવ સાથે ગણપતિદાદાની આરાધના કર્યા બાદ આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવિકોએ ભારે હૈયે વિઘ્ન હર્તાને વિદાય આપી હતી. પંડાલો સુમસામ થઇ ગયા છે. એક ખાલીપો છવાય ગયો હોય તેવી લાગણી અનુભવાય રહી છે. કોરોના કાળમાં બે વર્ષ બાદ ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવાનો લ્હાવો મળતા ભાવિકો ભકિતના રંગમાં રંગાયા હતા. આજે સવારથી ઠેર ઠેર ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા જળાશયો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડી.જે.ના તાલ અને રાસ ગરબાની રમઝ સાથે ‘અગલે બરસ તું જલ્દી આના’ નારા સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી.
ભાદરવા સુદ 4 થી ભાદરવા સુદ 14 સુધી અર્થાત ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશ સુધી 11 દિવસ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે આ વર્ષે એક તીથીનો ક્ષય હોવાના કારણે 10 દિવસ જ ગણેશ ઉત્સવ ચાલ્યો હતો. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી મોટા પાપે ગણેશ મહોત્સવની ઉજવણીની મંજુરી આપવામાં આવતી ન હતી. આ વર્ષ ગણેશજીને લાડ લડાવવા માટે ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
ગણેશ મહોત્સવના 10 દિવસ સુધી મોદક સ્પર્ધા, શ્રીનાથજીની ઝાંખી, સત્ય નારાયણ ભગવાનની કથા, રકતદાન કેમ્પ, ગરીબ બાળકોને ભાવતા ભોજનીયા સહિતના વિવિધ સેવાકીય અને ધાર્મીક કાર્યક્રમો યોજાયા હતા. અનેક ભાવિકોએ પોતાના ઘેર માત્ર દોઢ દિવસ માટે ‘દાદા’નું સ્થાપન કર્યુ હોય તેઓએ ગણેશ ચતુર્થીના બીજી દિવસે વિસર્જન કર્યુ હતું. જયારે કેટલાક ભકતોએ ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ માટે બાપ્પાને પોતાના ઘર આંગણે બેસાડયા હતા. તેઓએ જે તે દિવસે ભકિતભાવ સાથે વિઘ્ન હર્તાને વિદાય આપી હતી. દરમિયાન આજે અનંત ચૌદશના દિવસે ગણેશ મહોત્સવનું વિધિવત સમાપન થઇ ગયું હતું. સવારથી મોડી રાત સુધી ગણેશ વિસર્જનથી વિધિ ચાલી હતી.
સાર્વજનીક ગણેશ મહોત્સવના આયોજકોએ જેટલા ઉત્સાહ અને ભકિતભાવ સાથે દુંદાળા દેવનું સ્થાપન કર્યુ હતું. તેવા જ ઉત્સાહ અને ‘પુઢરયા વર્ષી લવકર યા’ ના નાદ સાથે દાદાન વિદાય આપી હતી. સતત નવ નવ દિવસ ભારે ભકિતભાવ સાથે ગણેશજીની આરાધના કર્યા બાદ આજે વિદાય આપતી વેળાએ ભાવિકોની આંખો ભરાય આવી હતી. પંડાલો સુમસાન બની ગયા છે.
આ વર્ષ મેઘરાજાએ પણ મહેર ઉતારી હોવાના કારણે જળાશયોમાં જળ વૈભવ જોવા મળી રહ્યો છે જેના કારણે ગણેશ વિસર્જનમાં ભાવિકોને કોઇ તકલીફ વેઠવી પડી ન હતી. રાજકોટમાં અલગ અલગ સાત સ્થળોએ ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી છે વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ સ્થળોએ ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. વિસર્જન સ્થળોએ ફાયર બ્રિગેડના સ્ટાફ સાથ પોલીસ જવાનોએ પણ બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા છે. વિઘ્નહર્તાની વિદાય સાથે પંડાલો સુમસામ થઇ ગયા છે. એક પ્રકારનો ખાલીપોનો અહેસાસ થઇ રહ્યો છે.