સુરેન્દ્રનગર જિલ્લાના પાંચવડા ગામમાં માતા-પિતા સાથે રહેતી 19 વર્ષની કિંજલ મેતાલિયાનો અકસ્માત થયો હતો અને સારવાર માટે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. 48 કલાકની સારવાર બાદ ડોક્ટરોએ તેને બ્રેઇન-ડેડ જાહેર કરી હતી. સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા કિંજલનાં માતા હંસાબહેન અને પિતા બીજલભાઈને અંગદાન વિશે જાણકારી આપીને સમજ આપી હતી. ત્યાર બાદ માતા-પિતાએ દીકરીના અંગદાનનો નિર્ણય કરીને બે કિડની અને એક લિવરનું દાન કર્યું હતું.
બ્રેઇન-ડેડ કિંજલના પિતા બીજલભાઈ મેતાલિયાએ ને કહ્યું હતું કે ’મારી એકની એક દીકરી કિંજલ 19 વર્ષની હતી. મારી આ વહાલસોયી દીકરીને એક પિતા તરીકે લાડકોડથી પરણાવવાનો કોને ઉમંગ ન હોય, પણ દીકરીનું ક્ધયાદાન હું ન કરી શક્યો અને અંગદાન કર્યું. મારી દીકરીનો અકસ્માત થયો હતો અને અમે તેને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા, પણ તેને બ્રેઇન-ડેડ જાહેર કરી હતી. સાહેબે મને અંગદાનની વાત કરી હતી. મારી દીકરીનાં અંગો બીજાના કામમાં આવે એનાથી બીજું રૂડું શું હોઈ શકે? મારી દીકરી તો જતી રહેશે, પણ કોઈકના લાડકવાયાના જીવ બચાવતી જશે. આવો આત્માને વિચાર આવ્યો હતો અને દીકરીનાં જે અંગો કામમાં આવે એનાથી કોઈક બે વ્યક્તિના જીવ બચે એવી ગણતરી હતી, એટલે અમે દીકરીનાં અંગોનો દાન કરવાનો નિર્ણય કર્યો હતો.’
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ કહ્યું હતું કે ’બ્રેઇન-ડેડ દીકરીનાં અંગોનું દાન કરવાનો નિર્ણય માતા-પિતાએ કર્યો હોય એવો અમારા માટે આ પ્રથમ કિસ્સો છે. આ માતા-પિતાને હું દાદ આપું છું. સિવિલ હોસ્પિટલમાં આ 106મું અંગદાન હતું ત્યારે અમારી ટીમ આ તબક્કે ભાવુક બની હતી.’