દુનિયામાં આજે દરેક જગ્યાએ ગળાકાપ હરીફાઈ લાગી છે ત્યારે આ હરીફાઈભર્યા વાતાવરણમાં દરેક માતા-પિતા અને વડિલો પોતાનાં બાળકોને પ્રોડકટ તરીકે જોઈ રહ્યા છે. જેનાથી દેશનું ભાવી ગણાતા બાળકોનું બચપણ છિનવાઈ રહ્યું છે. આજનાં બાળકો કયાંક ભણતરનાં બોજ નીચે તો કયાંક કુટુંબનાં વિખવાદ વચ્ચે, વધતા જતા શહેરીકરણની વચ્ચે, કયાંક મોબાઈલ ગેમની અંદર તો કયાંક આર્થિક પ્રશ્નો વચ્ચે પોતાનું બચપણ ગુમાવી રહ્યા છે. પ્રાણીઓ અને પક્ષીઓ પોતાના બચ્ચાને ઉડતા કે ચાલતા શીખવીને તેને સ્વતંત્રતા આપી દે છે તેમ મનુષ્ય કયારેય પોતાના બાળકને સાચી રીતે આકાશમાં ઉડવાની અને દુનિયાને બાથમાં ભીડવાની આઝાદી આપી શકશે. હાલ અનેક બોજાતળે રહેલા બાળકો પોતાનું બચપણ જલ્દી વીતી જાય અને મોટા થાય તેવી આશ રાખતા થયા છે. હકિકતમાં સમગ્ર જીવનમાં બાળપણનો સમય જ શ્રેષ્ઠ હોય છે. તે શ્રેષ્ઠ સમય જ હાલ બાળકો માટે કપરો બન્યો છે જેથી આજે બાળ દિવસે એક જ પ્રશ્ન ઉઠે છે કે કયારે બાળકો આઝાદ પંછી બની શકશે ?
હું પણ ‘બાળક’ છું !!!
શિખામણો ભૂલી મન
માની કરી લઉં છું,
ક્યારેક હું પણ બાળક
બની જાઉં છું
જીવનને પણ હું રમત
સમજી જીવી જાઉં છું,
ક્યારેક હું પણ બાળક
બની જાઉં છું
ખોટું હોવા છતાં સાચું
માની લઉં છું
ક્યારેક હું પણ બાળક
બની જાઉં છું
મમ્મી ને માં,પપ્પા ને પા,
કહી બોલાવી લઉં છું,
ક્યારેક હું પણ બાળક
બની જાઉં છું
જૂની વાર્તાઓ ફરી
સાંભળી પોઢી જાઉં છું,
ક્યારેક હું પણ બાળક
બની જાઉં છું
જવાબદારીઓ છોડી ક્યારેક,
સ્વતંત્ર બની ઊડી લઉં છું,
ક્યારેક હું પણ બાળક
બની જાઉં છું
ઉમરના આકડાને ભૂલી જાઉં છું,
ક્યારેક હું પણ બાળક
બની જાઉં છું
કાર્ટૂનની ચેનલો ફરી
નિરાતે માણું છું,
ક્યારેક હું પણ બાળક
બની જાઉં છું
-દેવ એસ. મહેતા