ગ્રામજનોને છતે પાણીએ પાણી નહિ અપાતા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત
હળવદ તાલુકાના સુરવદર ગામે ગ્રામ પંચાયતની અણ આવડત ના કારણે છેલ્લા ચારેક વર્ષથી પાણીના બોરમાં ઉતારવાની મોટર,કેબલ,લાઈન સહિતની વસ્તુઓ ધૂળ ખાઈ રહી છે તો સાથે જ લોકફાળો કરીને બનાવવામાં આવેલ પાણીનો બોર પણ હવે બુરાઈ જવા આવ્યો છે ત્યારે વહેલી તકે ગ્રામ પંચાયત યોગ્ય કરે તેવી માંગ સાથે તાલુકા થી માંડી જિલ્લાના અધિકારીઓને રજૂઆત કરાઇ છે.
આજે પણ આપણને એવી ગ્રામ પંચાયતો જોવા મળે છે કે તેઓની અણઆવડતને કારણે ગ્રામજનોને વિવિધ સુવિધા મળી શકતી નથી તેનું ઉત્તમ ઉદાહરણ હળવદ તાલુકાની સુરવદર ગ્રામ પંચાયત છે.!સુરવદર ગામે ગ્રામજનોને પાણી મળી રહે તેવા હેતુ સાથે લોકફાળા થકી પાણીનો બોર બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા બોરમાં ઉતારવાની મોટર,કેબલ,લાઈન સહિતની વસ્તુઓ વસાવામા આવી હતી પરંતુ આજદિન સુધી બોર ચાલુ ન કરતા હવે બોર પણ બુરાઈ જવા આવ્યો છે..!
સુરવદર ગામના જાગૃત યુવાન જીતેન્દ્રભાઈ આહિર એ જિલ્લા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સુરવદર ગામમાં આવેલ વિવેકાનંદ તરીકે ઓળખાતા વિસ્તારમાં પાણીની મોટર તેમજ હસ્તી,કેબલ,વાયર મંજૂર થઇ ને આવી ગયા છે આજે ચાર વર્ષથી વધુ સમય થયો તેમ છતાં પણ ઉપરોક્ત વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો નથી પાણીની મોટર સહિતની વસ્તુઓ પડી-પડી ધૂળ ખાય છે.
જ્યારે આ વિસ્તારના લોકોએ પંચાયતને પાણીનો બોર કરી દેવા જણાવ્યું હતું ત્યારે પંચાયત દ્વારા લોક ફાળો આપો તો પાણીનો બોર બનાવી અને બાકીની વસ્તુઓ પંચાયત આપશે તેવું કહેલ જેથી રામજીભાઈ આહિર એ રૂપીયા 44 હજારનો લોક ફાળો આપી પાણીનો બોર બનાવી આપ્યો હતો પરંતુ આજદિન સુધી આ બોરમાં નતો મોટર ઉતારવામાં આવી છે કે ન તો પાણી આ વિસ્તારના લોકોને આપવામાં આવ્યું છે જેથી વહેલી તકે બોર બુરાઇ ન જાય તે પહેલા પાણીની મોટર ઉતારી પાણી વિતરણ કરવામાં આવે તે જરૂરી છે.