૧૦૧માં વર્ષે ભુલકા રાસ, દીવડા રાસ, મંજીરા રાસનું આકર્ષણ અકબંધ
નવરાત્રી એટલે નવરાત્રીનો સમુહ એવો શાબ્દિક અર્થ થાય નવરાત્રી દરમિયાન નવ રાત અને દશ દિવસ જગદંબાના નવ સ્વરૂપનું પુજન અર્ચન કરવામાં આવે છે. આપણે ત્યાં વિવિધ રીતે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે શહેરમાં પાંચમાં નોરતે વિવિધ પ્રાચીન ગરબીઓમાં નાની બાળાઓએ માં જગદંબાની આરાધના કરી રાસની રમઝટ બોલાવી હતી. ત્યારે શહેરની વર્ષો જુની પ્રાચીન ગરબી જેમાં પંચનાથ મહાદેવ ગરબી અને ખોડીયાર મંદિરની ગરબીમાં નાની બાળાઓ માંની પૂજા-અર્ચના કરી ગરબે ઝુમી હતી. આ ગરબી શહેરની પ્રાચીન અને વર્ષોથી થતી ગરબી છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ જગ્યાએ પ્રાચીન ગરબીનું આયોજન ભાવભેર થઈ રહ્યું છે.ખોડીયાર ગ્રુપ મંદિર ગરબી મંડળના આયોજક ચુડાસમા ઘનશ્યામે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી ગરબીનું આયોજન છેલ્લા ૪૦ વર્ષથી કરીએ છીએ. અહીં દિકરીઓની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. સમાજમાં દીકરીઓ માટે લાગણી અને પ્રેમભાવ વધે તે માટે આયોજન કરીએ છીએ. અવનવા રાસ બાળાઓ દ્વારા કરવામાં આવે છે. અમારા કાર્યકર્તા અને લતાવાસીઓના પ્રયત્નથી જ આ ગરબી કાર્યરત છે. પંચનાથ ગરબી મંડળના પ્રમુખ કમલેશભાઈ બુંદેલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦૦ વર્ષથી અમો ગરબીનું આયોજન કરીએ છીએ. આ ૧૦૧મું વર્ષ છે. ગયા વર્ષે ૧૦૦મું વર્ષ ભવ્ય રીતે ઉજવ્યું હતું. અમારો ભુલકા રાસ ૫૦૦ નાની બાળાઓ દ્વારા રજુ કરવામાં આવે છે. આ ઉપરાંત દીવડા રાસ, મંજીરા રાસ, તાલી રાસ સહિતના વિવિધ પ્રકારના ગરબા રજુ કરવામાં આવે છે. આઠમા નોરતે ઈશ્ર્વર વિવાહ જેનો મહિમા મહાદેવ અને પાર્વતીજીના લગ્નનું સમગ્ર વર્ણન કરવામાં આવે છે. પંચનાથ મહાદેવની ગરબી પરંપરાગત રીતે વર્ષો જુની ગરબી છે. ધાર્મિક રીતે અમે આ ગરબી ઉજવીએ છીએ ફી કે ફાળો અમો કોઈ લેતા નથી.