ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, કેવડિયા, વડનગર ખાતેની સંસ્થાઓમાં વિવિધ વિષયો પર ચર્ચા-સેમિનારો યોજાશે
રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આજથી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયું ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદઘાટન સમારોહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય અતિથિ પદે પીડીઇયુ ગાંધીનગર ખાતેથી આજથી કરવામાં આવશે. આ સમારોહમાં ક્લાઈમેટ ચેન્જ, પર્યાવરણ અને વન મંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કલાયમેટ ચેન્જની દિશામાં ગુજરાતમાં સપ્ટેમ્બર, 2009માં અલાયદા કલાઈમેન્ટ ચેન્જ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. જે સમગ્ર એશિયામાં પ્રથમ અને વિશ્વમાં રાજ્ય સરકારનો ચોથો અલાયદો વિભાગ બન્યો છે. એમ ક્લાઈમેટ ચેન્જ વિભાગની યાદીમાં જણાવાયું છે.
કલાઈમેટ ચેન્જ યુવા જાગૃતિ પખવાડિયા અંતર્ગત આજથી 30 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ ખાતે સાયન્સ સીટી, આઈ-હબ, એએમએ, નિરમા યુનિવર્સિટી, ટાગોર હોલ, ભુજ ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટી, કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા વડનગર ખાતે સરકારી પોલીટેકનીક જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ સ્પર્ધાઓ, કાર્યક્રમો, સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પખવાડિયા દરમિયાન કોલેજ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં ક્લાઈમેટ ચેન્જ નિવારણ માટે નવીન વિચારો અંગેની સ્પર્ધામાં પુન:પ્રાપ્ય ઉર્જા, જળ પ્રદૂષણ/સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જ માટે નાણા ભંડોળ, ઇલેક્ટ્રીક વાહન, હવા પ્રદૂષણ, ક્લાઈમેટ એક્શન, શમન, અનુકૂલન, જમીન સંરક્ષણ/માટી બચાવો પ્રાકૃતિક ખેતી, કચરા વ્યવસ્થાપન જેવા વિષયો આવરી લેવાયા છે. તેમજ પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ, વન, જૈવ વિવિધતા, કચરા વ્યવસ્થાપન જેવા વિષય ઉપર સૂત્ર લેખન સ્પર્ધા અને એનર્જી સ્ટોરેજ, બેટરી સંચાલિત વાહનો, જળ વ્યવસ્થાપન/રિસાયક્લિંગ, ઘન કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન જેવા વિષયો પર જૂથ ચર્ચા પણ યોજાશે. ક્લાઈમેટ ચેન્જને અટકાવવામાં સમાજના વિવિધ ઘટકોની ભૂમિકા, અન્નનો આદર, પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી, માટી બચાવો, પંચામૃત લક્ષ્યાંકો જેવા વિષયો પર વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે.
આ ઉપરાંત શાળા કક્ષાએ પણ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં પ્રદૂષણ, વનીકરણ, પૃથ્વી બચાવો, વૈશ્વિક તાપમાનમાં વધારો, પાણી બચાવો, અન્નનો આદર, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, ઈલેક્ટ્રીક વાહનો, ઓઝોન સ્તરમાં ગાબડા જેવા વિષયો પર ચિત્ર, પેઇન્ટિંગ, નિબંધ લેખન જેવી સ્પર્ધાઓ યોજાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા વિવિધ સરકારી વિભાગોના ક્ષમતા નિર્માણ દ્વારા ક્લાઈમેટ ચેન્જ કાર્ય યોજનાનું આયોજન અને અમલીકરણ કરે છે તથા ક્લાઈમેટ ચેન્જની અસરો દૂર કરવા માટે સરકાર અને સમાજ વચ્ચે સેતુની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત અનુકૂલન અને શમનની પ્રોત્સાહક નીતિઓ અને પ્રકલ્પો શરૂ કરવા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવી વગેરે તેના અન્ય મુખ્ય કાર્યો છે. રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા રહેણાંક મકાનો પર સોલાર રૂફટોપ, રિસર્ચ પ્રોજેક્ટ માટે સહાય, બેટરી સંચાલિત દ્વિ-ચક્રી તથા ત્રિ-ચક્રીય વાહનો, સોલર વોટર હિટીંગ સિસ્ટમ, એલઇડી ટ્યુબલાઈટ તથા ઉર્જા કાર્યક્ષમ પંખાઓને પ્રોત્સાહન વગેરે જેવી યોજનાઓ અમલમાં છે.