વર્ષે ૧૭ લાખ જેટલા રોપા બનાવી રૂ. ૧૦ લાખનો નફો મેળવે છે: જામનગર, રાજકોટ, મોરબી અને દ્વારકા જિલ્લાના ખેડૂતોને તૈયાર થયેલા છોડ વેંચે છે
જામનગર જિલ્લાના ખેડૂતો હાલ અનેક નવા ખેત ઉત્પાદનના પ્રયોગો કરી, ખેતીની નવી પદ્ધતિઓ દ્વારા વધુ ઉત્પાદન મેળવવાના નવતર પ્રયાસો હાથ ધરી રહ્યા છે. જામનગરમાં અનેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ પણ વળ્યા છે અને તેમાં સફળતા મેળવી છે. સામાન્ય રીતે ખેડૂતો ખેતીમાં નવા પાક, નવી ખેત પદ્ધતિ દ્વારા વધુ આવક માટેના પ્રયોગો કરતા હોય છે પરંતુ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ખાતેના પનારા બંધુઓએ માત્ર ખેતી નહીં પરંતુ ખેતી સાથે જ નર્સરી દ્વારા પણ વધુ આવકના સ્ત્રોતો ઉત્પન્ન કર્યા છે.
મોટા વાગુદળના અરવિંદભાઈ પનારા અને મુકેશભાઈ પનારા રુદ્ર ફાર્મ નર્સરી અને કપિરાજ ફાર્મ નર્સરી નામક બે નર્સરી દ્વારા ગલગોટા અને શાકભાજીના પાકોમાં મરચાં, ફ્લાવર, રીંગણ, કોબી, ટામેટા જેવા પાકના રોપા(ધરું) બનાવી, તેને ઉછેર કરી અને અન્ય ખેડૂતોને વેચી રહ્યા છે.
વર્ષે ૧૭ લાખ જેટલા રોપાઓ બનાવી, આ રોપાની પડતર કિંમત સામે પનારા બંધુઓ વર્ષે ૧૦ લાખનો નફો મેળવે છે. વર્ષ દરમિયાન ત્રણ વાર આ છોડ માટેની પ્રક્રિયા કરી તેનું વેચાણ કરવામાં આવે છે. તૈયાર થયેલા છોડ જામનગર, રાજકોટ, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવે છે આમ આ પનારા બંધુઓ માત્ર નર્સરી દ્વારા જ વર્ષે ૧૦ લાખની આવક મેળવી રહ્યા છે.
આ સાથે જ પનારા બંધુઓ ગલગોટા અને વિવિધ શાકભાજી પાકો, મગફળી વગેરે જેવા પાકો લઈ ખેતી દ્વારા પણ સારી આવક મેળવી સમૃદ્ધ થઇ રહ્યા છે. રમેશભાઈ પનારા કહે છે કે, હું ગલગોટા અને મરચાની ખેતી કરું છું જેમાં મરચાના પાકને પણ અમે ૩ પ્રકારે વેચીએ છીએ.
જેમાં ૧) પહેલા બે વખત લીલા મરચાના પાકને વેચી દેવામાં આવે છે, ૨) બે વખત મરચાને લાલ થવા દઇ સુકા મરચાના રૂપમાં વેચવામાં આવે છે અને ત્યારબાદ ૩) એકવાર સીઝન અનુસાર લાલ મરચાનો પાવડર બનાવીને પણ વેચાણ કરવામાં આવે છે. આમ મરચાંની ખેતીમાં પણ પાકનું મૂલ્યવર્ધન કરી રમેશભાઈ દ્વારા તેનું વેચાણ રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા,મોરબી જિલ્લાઓમાં કરવામાં આવે છે.
આમ ખેતીમાં નવા પાકો, નવી પદ્ધતિ સાથે નર્સરીના વિચારને જોડી, પાકનું મૂલ્યવર્ધન કરી નવો ચીલો ચાતરીને આ પનારા બંધુઓ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યાં છે. આ પનારા બંધુઓ કહે છે કે, સરકારના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને બાગાયત વિભાગ દ્વારા અમને આ નાવિન્ય માટે ખૂબ સહકાર આપવામાં આવે છે.
આવશ્યક સહાય અને માર્ગદર્શન ખુબ જ ઝડપથી મળી રહેવાને કારણે અમારી ખેતી અમને સમૃદ્ધ બનાવી રહી છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ખેડૂતોને સમૃદ્ધ બનાવવાની નેમને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક ઝુંબેશના રૂપે લઈ અમને ખેડૂતોને સર્વ પ્રકારે સહાય કરવા બદલ અમે સરકારના આભારી છીએ.