પોલીસે જપ્ત કરેલા સોપારી અને તમાકુનો જથ્થો વેપારીને પરત કરવા કોર્ટનો હુકમ
કોરોના વાયરસ અટકાવવા સરકાર દ્વારા જાહેર કરાયેલા લોક ડાઉન દરિયાન પાન-માસાલના બંધાણીઓની તલપને ધ્યાને રાખી છાના ખૂણે પાન-મસાલાનું વેચાણ કરતાવેપારીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરી તમાકુ અને સોપારીનો કબ્જે કરાયેલા જથ્થાને પરત સોપવા કોર્ટ દ્વારા થયેલા મહત્વના હુકમના પગલે લોક ડાઉન દરમિયાન ચવાઇ ગયેલા પાન-મસાલા ઓકવા પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.
લોક ડાઉન દરમિયાન તમાકુના વ્યશનીઓની માગને ધ્યાને લઇ પાન-મસાલાના કાળા બજાર કરી તંત્રની આંખમાં ધૂળ નાખી ઘરે બેસીને જ તમાકુ અને સોપારીનું વેચાણ કરી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ થતો હોવાથી છાના ખૂણે તમાકુ અને મસાલાનું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો ગુનો નોંધી સોપારી અને તમાકુનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.
કાયદાકીય જોગવાય મુજબ પોલીસ દ્વારા કબ્જે કરાયેલા મુદામાલની પાવતી બનાવી હોય ત્યારે જેની પાસેથી મુદામાલ કબ્જે કરાયો હોય તે કોર્ટ દ્વારા જરૂરી કાયદાકીય પ્રક્રિયાથી મુદામાલ પરત મેળતા હોય છે. પરંતુ લોક ડાઉન દરમિયાન પોલીસ દ્વારા વેપારીઓ સામે જાહેરનામા ભંગ અંગેના ગુના નોંધ્યા હતા પરંતુ મુદામાલ કબ્જે કર્યાની નોંધ કર્યા વિના જ મુદામાલ કબ્જે કરી ચાઉ કરી ગયાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે જામનગરના વેપારી પાસેથી કબ્જે કરાયેલા પાન-મસાલાનો મુદામાલ કાયદાકીય જોગવાઇ મુજબ પરત મેળવવા કરેલી કાનૂની કાર્યવાહી બાદ અદાલત દ્વારા પાન-મસાલાનો મુદામાલ પરત કરવા અદાલત દ્વારા થયેલા હુકમથી ચવાઇ ગયેલા પાન-મસાલા ઓકવા પડે તેવી સ્થિતી સર્જાય છે.