રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેના કારણે આગામી 48 કલાક સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ભાવનગર, પોરંબદરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. સાથે સાથે દ્રારકા, બનાસકાંઠા, અમદાવાદ સહિત અન્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો થયો છે જેના કારણે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
સોમવારે અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા તો આજે વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અમી છાંટણા થયા હતા. ગુજરાતભરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાવા લાગ્યા છે અને ઠંડા પવનો હોવાથી ઠંડકભર્યું વાતવરણ પ્રસરી ઉઠ્યું છે.
હવામાન વિભાગ દ્વારા સમુદ્રમાં માછીમારી કરવા ગયેલ માછીમારોને પણ એલર્ટ રહેવાની સુચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયામાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. માછીમારોને 18 એપ્રિલ સુધી એલર્ટની સુચના અપાઈ છે.