શિવને પ્રિય એવા શ્રાવણ માસને તડામાર તૈયારીઓ મંદિર પર નયનરમ્ય રોશની કરાશે
ભારત બાર જયોતિલીંગ પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે આગામી પવિત્ર શ્રાવણ માસ અંગે તડામાર તૈયારીઓનો પ્રારંભ થઇ રહ્યો છે.સોમનાથ દર્શનાર્થી ભીડને વ્યવસ્થિત આયોજન સાથે કતારમાં મંદિર પ્રવેશ બહાર નીકળી શકે તે માટે મંદિર પરિસરના પ્રવેશ દ્વાર પાસે બેરીકેટ લગાવવાનો પ્રારંભ કરાયો છે. અને જે માટે આઠથી દસ જેટલા શ્રમિકો કાર્યરત છે.
તા. ર9 જુલાઇથી પ્રારંભ થનારો પવિત્ર શ્રાવણ માસ તા. ર7 ઓગસ્ટ સુધી ચાલશે.સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઇના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, આગામી શ્રાવણ માસ અંગે પુજા વિધી, યાત્રિ સુવિધા, મંદિર શણગાર અંગે વિવિધ શણગાર સુચિ, ફૂલ-વિજ રોશની શણગાર અંગે આયોજન ઘડી રહ્યા છે.શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિરે સોમનાથ ટ્રસ્ટ તરફથી પારંપરાગત રીતે ધજારોહણ કરાશે.
આ ઉપરાંત કોરોના સંકટને કારણે છેલ્લા બે વરસથી મંદિર પરિસરમાં પરિક્રમા કરતી જે પાલખી યાત્રા બંધ રહેલ જે આ વરસે સારું વાતાવરણ હોઇ સોમનાથ મહાદેવની ધુુન, ભજન, વેદ મંત્રોચ્ચાર અને ઢોલ, શરણાઇ, શંખ વાદન સાથે પાલખી યાત્રા નીકળશે.
શ્રાવણ માસ દરમ્યાન ભાવિકોના ઘસારાને ઘ્યાનમાં રાખીને દેશ-વિદેશથી દર્શનાર્થે પધારતા ભકતો શાઁતિપૂર્ણ અને સુંદર રીત દર્શન કરી શકે તેમ જ સુરક્ષા વ્યવસ્થા સુદઢ રીતે જળવાઇ રહે તેવા શુભ હેતુથી શ્રી સોમનાથ મંદિર શ્રાવણ માસના રવિવાર તથા સોમવાર તેમજ મહત્વના વિશેષ તહેવારોને દિવસે મંદિર સવારના ચાર વાગ્યે ખુલવા તેમજ અન્ય દિવસોએ સવારના 5.30 ખોલવા જે રાત્રીના અગીયાર સુધી ખુલ્લુ રહે અને માસિક શિવરાત્રીની રાત્રીએ મંદિર રાત્રીના એક વાગ્યા સુધી ખુલ્લુ રહે તેવી સંભાવના છે. પવિત્ર શ્રાવણ માસના ત્રીસે ત્રીસ દિવસ સંઘ્યા શણગાર અને ભગવાન સદાશિવને દિવ્ય અલૌકિક શણગાર કરાય તેવું આયોજન વિચારાઇ રહ્યું છે. જેમાં સફેદ પુષ્ય શણગાર, કેસરી પુષ્પ શણગાર, ભસ્મ શૃંગાર, ત્રિરંગા પુષ્પ શણગાર, ગંગા અવતરણ, ચંદન કૈલાસ શણગાર સમાવિષ્ટનો સમાવેશ થાય છે.
પવિત્ર શ્રાવણ માસમાં મંદિરને શુશોભિત આકર્ષક ફુલોનો શણગાર, રંગબેરંગી ઝળહળતી વિજ રોશની સોમેશ્ર્વર પુજા, બિલ્વ પૂજા સહીતના કાર્યક્રમો ઘડાઇ રહ્યા છે જેને અંગે ફરજ કર્મચારીઓ અને સાથી સોમનાથ સુરક્ષા તંત્ર સાથે મીટીંગ પણ યોજયા બાદ આખરી ઓપ આપવામાં આવશે.