અગ્નિહોમ ખેતી અને સામાન્ય ખેતી વચ્ચેનાં તુલનાત્મક અભ્યાસ પર સંશોધન કરાયું
ગત તા.૨૮ અને ૨૯મી નવેમ્બર દરમ્યાન અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે ભારત સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેમજ ગુજકોસ્ટ દ્વારા ૨૭મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિતાણા તાલુકાની માનવડ ખાતે આવેલી મોડેલ સ્કુલની વિદ્યાર્થીની કાર અર્પિતાબેન મનોજભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ લઘુ સંશોધન રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલ છે. તેમના સંશોધનનો વિષય અગ્નિહોમ ખેતી તેમજ સામાન્ય ખેતી વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ હતો.
આ સ્પર્ધામાં રાજયનાં બધા જ જિલ્લામાંથી જુદા-જુદા વિષય અને વિભાગોમાં આશરે ૩૦૦ કરતા વધુ લધુ સંશોધનો વિદ્યાર્થીઓએ રજુ કર્યા હતા.
રાષ્ટ્રીય બાળવિજ્ઞાન કોંગ્રેસમાં સામાન્ય વિજ્ઞાન સ્પર્ધાઓથી વિપરીત બાળકોને તેમને પસંદગીનાં વિષયમાં લઘુસંશોધનો કે સર્વેક્ષણો કરવાના હોય છે જેથી બાળકોમાં નાનપણથી સંશોધન વૃતિનો વિકાસ થાય છે. આવી વિશિષ્ટ સ્પર્ધામાં રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામી અર્પિતાએ શાળા તથા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ અવસરે શાળાનાં આચાર્ય દામા સરે પણ અર્પિતા તથા તેના માર્ગદર્શિકા બારૈયા પુજાબેનને અભિનંદન પાઠવ્યા હતા. અર્પિત આગામી ડિસેમ્બરની ૨૫ થી ૩૦ તારીખે કેરલા ખાતે ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે.