અબતક, રાજકોટ
ગાંધીનગર મહાનગરપાલિકા, થરા અને ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે આગામી ત્રીજી ઓકટોબરે યોજાનારી પેટા ચૂંટણીના મતદાન માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપ અને કોંગ્રેસ સાંજ સુધીમાં ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દેશે જે ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ગયા છે તે આજે ફોર્મ ભરી દેશે.
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગત 6 સપ્ટેમ્બરના રોજ પાલિકા અને પંચાયત માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ગત સોમવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થયો છે. આવતીકાલે શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. અંતિમ બે દિવસમાં ફોર્મ ભરવા માટે ધસારો રહેશે. 20મીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 21મીએ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તિથિ નિર્ધારિત કરવામાં આવી છે. આગામી 3 ઓકટોબર સવારે 7 થી 6 વાગ્યા સુધી મતદાન યોજાશે અને પાંચમી ઓકટોબરે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
ઉમેદવારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ
ભાજપ અને કોંગ્રેસ આજે સાંજ સુધીમાં ઉમેદવારોના નામો જાહેર કરી દેશે: ફાઈનલ થયેલા ઉમેદવારો આજે ફોર્મ ભરશે
ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની થરા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જ્યારે ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાશે. આ ઉપરાંત અમદાવાદ મહાપાલિકાના વોર્ડ નં.3 અને વોર્ડ નં.45 જ્યારે જૂનાગઢ મહાપાલિકાના વોર્ડ નં.8ની એક બેઠકની પેટા ચૂંટણી યોજાશે.
વડનગર, મહેસાણા, ભચાઉ, વલસાડ, ઉમરગામ, ગણદેવી, બિલીમોરા, ભરૂચ, રાધનપુર, ચાણસ્મા, લીંબડી, સુરેન્દ્રનગર, દૂધરેજ, વઢવાણ, સિક્કા, દ્વારકા, ખેડા, ડાકોર, મહેમદાવાદ, બાવળા, બારેજા, ધંધુકા, ઉપલેટા, માણસા, વિસાવદર, માણાવદર, તળાજા, ધાનેરા, તરસાડી અને મોડાસા નગરપાલિકાની 45 બેઠકો, નવસારી, તાપી, ખેડા, અરવલ્લી, અમદાવાદ અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતની એક-એક બેઠક જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતની બે બેઠકો માટે પેટા ચૂંટણીનું મતદાન થશે.
સાણંદ, દસક્રોઈ, મહેસાણા, સતલાસણા, ખેરાલુ, રાધનપુર, હારીજ, વ્યારા, ડોલવણ, સોનગઢ, નિઝર, વિસાવદર, દ્વારકા, દાતા, પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, ગાંધીનગર, ભિલોડા, બાયડ, ગરબાડા,દાહોદ, દેવગઢબારિયા, મોરબી, હળવદ, પ્રાંતિજ, હિંમતનગર, વડોદરા, સાવલી, ભરૂચ, નડિયાદ, માતર, ખેડા, વાસંદા, સુબર, માંડવી, લુણાવાડા, બાલાસિનોર, અમરેલી અને ગોધરા તાલુકા પંચાયતની 47 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી મંડળના તમામ નવા સભ્યો માટે આ પહેલી અગ્ની પરીક્ષા છે જેમાં તેઓએ પોતાની સમતા સાબિત કરવી પડશે.