૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ર૩૧ તાલુકા પંચાયતની ૫૪૮૧ બેઠકો માટે ૨૨૧૭૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં: રવિવારે મતદાન
રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૩ હજાર સુરક્ષા સ્ટાફનો બંદોબસ્ત
જિલ્લાના ૧૧૦ અતિસંવેદનશીલ અને ૬૯૫ સંવેદનશીલ મતદાન મથકો પર વીડિયોગ્રાફિ અને વધારાનો પોલીસ સ્ટાફની સ્ટેન્ડ ટૂ રહેશે
પરવાનાવાળા ૯૨ ટકા હથિયાર જમા લેવાયા, ૫,૫૭૪ સામે અટકાયતી કાર્યવાહી કરવામાં આવી: ૧૪ ચેક પોસ્ટ પર ૧૮,૮૦૦ વાહન ચેક કરાયા
રૂ.૫.૪૦ લાખની કિંમતનો ૨૪૧૧ બોટલ વિદેશી દારૂ અને ૨૧૪૧ લિટર દેશી દારૂ મળી રૂ.૨૩ લાખનો મુદામાલ કબ્જે કરાયો
મહાનગરની ચૂંટણી બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી તા.૨૮મીએ શાંતિ પૂર્ણ માહોલમાં યોજવામાં આવે તે માટે સુરક્ષા જવાનોને સજ્જ બન્યા છે. રાજકોટ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બંદોબસ્તને પહોચી વળવા માટે રાજકોટ રેન્જ ડીઆઇજી સંદિપસિંહ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગ દર્શન હેઠળ તૈયાર કરાયેલી સ્કીમને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લાના ૧૮ મથકોએ પોલીસ સ્ટાફ દ્વારા ચૂંટણી પૂર્વે જ હાઇવે પર ચેક પોસ્ટ ઉભી કરી ૧૮,૮૦૦ જેટલા વાહનનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. પોલીસે રૂા.૫.૪૦ લાખની કિંમતની ૨૪૧૧ બોટલ વિદેશી દારૂ અને ૪૩ હજારની કિંમતની ૨૧૪૧ લિટર દેશી દારૂ અને વાહન મળી રૂા.૨૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ચૂંટણી શાંતિ પૂર્ણ માહોલમાં યોજવામાં આવે તે માટે હથિયારબંધી જાહેર કરી પરવાનાવાળા હથિયાર જમા કરવાનો આદેશ કરી ૯૨ ટકા હથિયાર જમા લેવામાં આવ્યા છે અને આઠ ટકાને નિયમ મુજબ છુટછાટ આપવામાં આવી છે. અગાઉ ગુનાખોરીમાં સંડોવાયેલા ૫૫૭૪ સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં કુલ ૬૮૦ મતદાન બિલ્ડીંગમાં સમાવેશ કરવામાં આવેલા ૧૦૭૯ મતદાન મથક પૈકી ૧૧૦ અતિસંવેદનસીલ મતદાન મથક અને ૬૯૫ સંવેદનસીલ મતદાન મથક જાહેર કરી ત્યાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારાના પોલીસ ફોર્સ ઉપરાંત વીડિયોગ્રાફર ફાળવવામાં આવ્યા છે. સંવેદનસીલ અને અતિસંવેદનસીલ વિસ્તારમાં ફુટપેટ્રોલિંગ, ફલેગ માર્ચ અને એરિયા ડોમીનેશન કરવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન ૧૦૮૨ પોલીસ જવાન, બે કંપની અને એક પ્લાટુન એસઆરપી જવાન, એક કંપની સીઆઇએસએફ અને ૧૬૨૫ હોમગાર્ડ અને જીઆરડી મળી ત્રણ હજાર સુરક્ષા જવાનો બંદોબસ્તમાં સ્ટેન્ડ ટુ રહી બંદોબસ્તની જવાબદારી સંભાળશે. ૧૮ ક્યુઆરટી ટીમ, ૬૮ સેકટર મુજબ પોલીસ મોબાઇલ પેટ્રોલિંગ અને તમામ પર ડીવાય.એસ.પી. કક્ષાના અધિકારીનું સુપર વિઝન ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત એલસીબી, એસઓજી અને સ્ટાઇકીંગ ફોર્સ સાથે સીઆઇએફના જવાનો સાથે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવાની ગોઠવણ કરવામાં આવી છે.
કોરોના સંક્રમણને ધ્યાને રાખી સરકારની ગાઇડ લાઇન મુજબ ચૂંટણી બંદોબસ્તમાં રહેલા તમામ જવાનોને ફેસસીલ્ડ, માસ્ક, સેનેટાઇઝર અને હેન્ડ ગ્લોજ પહેરવાના રહેશે તેમજ મતદારોને કોરોના અંગેની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે.