રસાયણીક ખાતર માટે મહત્વના ગણાતા ઘટક સમાન ફોસ્ફરિક એસિડ અને એમોનિયાના આંતર રાષ્ટ્રીય ભાવ વધારાના કારણે ડીએપી ખાતરનો ભાવ ડબલ થઇ જતા કેન્દ્ર સરકારે 140 ટકા સબસિડી આપવાની જાહેરાત કરી ખેડુતોને ખાતરની બોરી જુના ભાવે જ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેના કારણે ડીએપી ખાતર હવે રૂ. 2400ના બદલે રૂ. 1200માં મળશે. પરંતુ સરકારના આ નિર્ણયને ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ ખેડૂતોના ખંભે બંધુક રાખી કંપનીઓને કમાવી આપવાનો કારશો ગણાવ્યો છે. તેમણે જણાવ્યુ કે ખાતરમાં ભાવ ધટાડો આવકાર્ય પણ હજુ અન્ય ખાતર બાબતે હજુ કોઈ ખુલાસો કરવમાં આવ્યો નથી.

પાલ આંબલિયાએ પ્રશ્નો ઊભા કરી સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે 70 વર્ષમાં કંપનીઓને સબસીડી 500 રૂપિયા આપી એક જ ઝાટકે સીધો 700 રૂપિયાનો વધારો કેમ ?? મુળભાવે ખાતર મળવાથી ખેડૂતો ખુશ છે પણ એને ખબર નથી કે પરોક્ષ રીતે નાગરિકો જ આ રૂપિયા ચૂકવવાના છે. ખાતર ઉત્પાદક કંપનીઓએ સીધો 53% જેટલો ભાવ વધારો જાહેર કર્યો. આ પાછળ એવા નિવેદનો અપાયા કે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારો થયો છે એટલે ખાતર ઉત્પાદક કંપનીઓ પાસે ભાવ વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ખેડૂત નેતા આંબલિયાએ કટાક્ષ કરતા કહ્યું કે ખાતર કંપનીઓ ભાવ વધારો ઝીંકી દયે પછી ખેડૂતો વિરોધ કરે એ સ્વાભાવિક છે એટલે સરકાર અને મંત્રીઓ હરકતમાં આવે અને રાહત અપાય. જે પરોક્ષપણે કોઈ રાહત નથી.

તેમણે સરકાર પર આકરા કટાક્ષ કરતાં કહ્યું કે ખાતર કંપનીઓને અપાતી સબસીડીમાં 140% નો વધારો એટલે કે જે એક થેલીએ 500 રૂપિયા આપતા હતા તે વધારીને 1200 કરી દેવાયા આ બાબતથી અભણ ખેડૂત સ્વાભાવિક છે કે ખુશ થાય કેમ કે જુના ભાવે ખાતર મળશે બધા ખેડૂતો અર્થશાસ્ત્રી તો છે નહીં કે એને ખબર પડે કે આ 700 રૂપિયા એક થેલીએ વધારાના આપવાના છે એ પણ એના જ ગજવામાંથી જવાના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.