પોલીસે ૧૪ આરોપીઓને ઝડપી વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા : ૫મીએ સુનાવણી હાથ ધરાશે
પાકિસ્તાનના કરક જિલ્લાના ખૈબર પખતુન્વા ખાતે કટ્ટરપંથીઓએ પૌરાણિક હિન્દૂ મંદિરને ધ્વંશ આગ ચાંપી દીધી હતી જેના કારણે પાકિસ્તાનમાં રહેતા આશરે ૭૫ લાખ હિન્દુઓની લાગણી દુભાઈ હતી. મંદિરની નજીક જમીયત ઉલેમાં-એ-ઇસ્લામ ફઝલુર નામની રાજકીય સંગઠનની રેલી ચાલી રહી હતી તે દરમિયાન એક કટ્ટરપંથીઓના ટોળાએ મંદિર પર હુમલો કરીને તોડફોડ કરી હતી. ટોળાને ફક્ત તોડફોડથી સંતોષ નહીં થતા મંદિરમાં આગ ચાંપી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિશ્વભરના હિન્દૂ સમુદાયમાં રોષનો માહોલ વ્યાપ્યો છે. મામલામાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની ભારે આલોચના પણ થઈ છે. ત્યારે મામલામાં પાકિસ્તાની સુપ્રીમે કટ્ટરપંથીઓને આડે હાથ લીધા છે. સુપ્રીમે પોલીસ તંત્રને ઘટના અને તેની કાર્યવાહી અંગે રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.
પાકિસ્તાનના કરક જિલ્લામાં આવેલું દિવંગત સંત શ્રી પરમહંસ મહારાજના સમાધિ સ્થળે બનાવવામાં આવેલા મંદિરનું પુન: બાંધકામની પૂર્વ મંજૂરી લઈને કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે અમુક કટ્ટરપંથીઓના પેટમાં તેલ રેડાયું હતું અને આ પ્રકારે મંદિરને ધ્વંશ કરી દેવામાં આવ્યું હતું. જે મામલે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગુલઝાર અહેમદે ઘટનામાંથી સુઓ મોટો લઈને ગુરુવારે પાકિસ્તાની લઘુમતી રાઇટ્સ કમિશન, પોલીસ વડા અને ખૈબર પખતુન્વાના ચીફ સેક્રેટરીને ૪ જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ રઝ કરવા આદેશ કર્યો છે.
મામલામાં તારીખ ૫ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠમાં સુનાવણી શરૂ થનારી છે ત્યારે તમામ પાંખોને ૪ જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. એપેક્ષ કોર્ટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને નોંધ્યું છે કે, ચીફ જસ્ટિસે આ ઘટનાની નોંધ લીધી છે. તેમણે પાકિસ્તાની હિન્દૂ કાઉન્સિલ પેટ્રોનના ચીફ રમેશ કુમાર સાથે પણ આ અંગે મુલાકાત કરી છે. રમેશ કુમારે આ અંગે કહ્યું છે કે, મને પાકિસ્તાની ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને અમને આ ઘટનામાં ચોક્કસ ન્યાય મળશે તેવી આશા પણ છે.
ઘટનામાં પોલીસે હાલ સુધીમાં કુલ ૧૪ આરોપીઓની રાતો રાત ધરપકડ પણ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને અનેકવિધ રેઇડ કરીને કુલ ૧૪ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હજુ વધુ રેઇડ તમામ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.
ઘટનામાં નેશનલ કમિશનબોન માઇનોરિટી ઓફ પાકિસ્તાનના ચેરમેન ચેલા રામ કેવલાણીએ કહ્યું છે કે, હું આ ઘટનાને વખોળી કાઢું છું. જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેમને માનવ ગણી શકાય નહિ. આ દિવસ તમામ હિંદુઓ માટે કાળા દિવસ સમાન છે. તેમણે તમામ ધર્મના લોકોને આ ઘટનાના વિરોધમાં આવવા અપીલ કરી હતી.