ભારતના સ્થાયી પ્રતિનિધિએ પાકિસ્તાની રાજદ્વારીને આડેહાથ લઈને કહ્યું કે ગંભીર મુદાની ચર્ચા વેળાએ અર્થવિહીન ટિપ્પણી ન કરો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એકવાર પાકિસ્તાનનું નાપાક કૃત્ય સામે આવ્યું છે અને તેના માટે ભારતે ફરી એકવાર આકરા પ્રહારો કર્યા છે. વાસ્તવમાં મહાસભામાં યુક્રેન-રશિયા યુદ્ધનો મુદ્દો ચાલી રહ્યો હતો અને પાકિસ્તાની રાજદ્વારી મુનીર અકરમ સતત કાશ્મીરની સ્થિતિની તુલના રશિયા-યુક્રેન યુદ્ધ સાથે કરી રહ્યા હતા. આ પછી, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે ઉગ્ર પ્રહારો કર્યા. રુચિરા કંબોજે કહ્યું કે યુક્રેન અને રશિયાના યુદ્ધ જેવા ગંભીર મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ચર્ચા થઈ રહી છે પરંતુ અમને આશ્ચર્ય છે કે ફરી એક પ્રતિનિધિમંડળ દ્વારા આ મંચનો દુરુપયોગ થઈ રહ્યો છે. મારા દેશ વિરુદ્ધ તુચ્છ અને અર્થહીન ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.
કંબોજે કહ્યું કે વારંવાર જુઠ્ઠું બોલવાની માનસિકતા ધરાવતા દેશો હંમેશા સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે પરંતુ તેનો કોઈ ફાયદો થતો નથી. તેમણે કહ્યું કે આવા નિવેદન બાદ પાકિસ્તાન સામૂહિક તિરસ્કારને પાત્ર છે. જમ્મુ અને કાશ્મીરનો સમગ્ર વિસ્તાર હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો રહેશે, પછી ભલે તે પાકિસ્તાનના પ્રતિનિધિ માને કે ન માને. અમે પાકિસ્તાનને આતંકવાદ બંધ કરવા કહીએ છીએ જેથી અમારા નાગરિકો તેમના જીવન અને સ્વતંત્રતાના અધિકારનો આનંદ માણી શકે.
યુએનમાં રશિયાની નિંદા કરતા પ્રસ્તાવથી ભારત ફરી દૂર રહ્યું
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એ બુધવારે ચાર યુક્રેનિયન પ્રદેશો પર રશિયન કબજાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો. 143 સભ્યોએ આ પ્રસ્તાવની તરફેણમાં જ્યારે પાંચ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. તે જ સમયે, ભારત સહિત 35 દેશોએ મતદાનમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. રશિયાએ સુરક્ષા પરિષદમાં સમાન ઠરાવને વીટો કર્યાના દિવસો બાદ આ ઠરાવ આવ્યો છે, જેને ભારતે ટાળ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે યુએનજીએને જણાવ્યું હતું કે ભારત યુક્રેનમાં વધતા સંઘર્ષને લઈને ચિંતિત છે, જેમાં નાગરિક માળખાકીય સુવિધાઓ અને નાગરિકોની જાનહાનિનો સમાવેશ થાય છે. અમે સતત એ વાતની હિમાયત કરી છે કે માનવ જીવનની કિંમતે ક્યારેય કોઈ ઉકેલ ન હોઈ શકે. કંબોજે કહ્યું કે વૈશ્વિક
વ્યવસ્થા કે જેમાં ભારત સભ્ય છે તે આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને તમામ રાજ્યોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વના આદર પર આધારિત છે. આ સિદ્ધાંતોને અપવાદ વિના સમર્થન આપવું જોઈએ.