લશ્કર-એ-તૌયબા (LeT)ના કમાન્ડર અને ૨૦૦૮ મુંબઇ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ જકીઉર રહેમાન લખવી
પાકિસ્તાનની ટોપ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીએ લશ્કર-એ-તૌયબા (કયઝ)ના કમાન્ડર અને ૨૦૦૮ મુંબઇ આતંકવાદી હુમલાના આરોપી જકીઉર રહેમાન લખવીના જામીન રદ કરવાના અનુરોધને લઇને ઇસ્લામાબાદ હાઇકોર્ટ પહોંચી છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ લખવીની ધરપકડ બાદ જામીન રદ કરવાના અનુરોધને લઇને હાઇકોર્ટમાં એક અપીલ દાખલ કરી છે. અપીલ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટની પેનલ મંગળવારે અધિકારીઓને બે અઠવાડિયામાં મુંબઇ આતંકવાદી કેસના રેકોર્ડ રજૂ કરવાનું કહ્યું છે. આ કેસના રેકોર્ડ ઇસ્લામાબાદની કાઉન્ટર-ટેરરિઝમ કોર્ટ (અઝઈ) પાસે છે. આ કોર્ટ આતંકવાદ મામલે ધરપકડ કરાયેલા લખવી અને અન્ય આરોપીઓની સુનાવણી કરી રહી છે.લશ્કર-એ-તૌયબાના સાત સંદિગ્ધ લખવી, અબ્દુલ વાજિદ, મજહર ઇકબાલ, હમાદ આમિન સાદિક, શાહિદ જમીલ રિયાઝ, જમીલ અહેમદ અને યૂનિસ અંજૂમ મૂળ હત્યા, હત્યાના પ્રયાસ ઉપરાંત મુંબઇ હુમલાનું કાવતરું ઘડવા અને તેને અંજામ આપવાના આરોપોનો સામનો કરી રહ્યા છે. એટીસીએ ૧૮ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ લખવીની ધરપકડ બાદ જામીન આપ્યા હતા. લખવી તે સમયથી જ કોઇ અજ્ઞાત સ્થળે રહે છે.એફઆઇએએ પોતાની અપીલમાં દલીલ કરી કે, લખવી વિરૂદ્ધ સાબિતી છે અને ધરપકડ બાદ તેના જામીન રદ થવા જોઇએ, જેથી તેની ફરીથી ધરપકડ બાદ પૂછપરછ કરી શકાય. પાકિસ્તાની અખબાર ડોનના રિપોર્ટ અનુસાર, એફઆઇએએ એટીસી જજના આદેશ વિરૂદ્ધ પોતાની અપીલમાં કહ્યું, માર્ચ ૨૦૧૩ના આતંકવાદી હુમલા મામલે ઇસ્લામાબાદની નીચલી કોર્ટના જજે સુરક્ષા કારણોસર લાંબા સમય સુધી અદિયાલા જેલ જવાનો ઇન્કાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, લશ્કર-એ-તૌયબાના ૧૦ આતંકવાદીઓએ મુંબઇ હુમલો કર્યો હતો જેમાં ૧૬૬ લોકોનાં મોત થયા હતા. પોલીસની કાર્યવાહીમાં ૯ આતંકીઓના મોત થયા હતા, જ્યારે એક આતંકી અજમલ કસાબને જીવતો પકડ્યો હતો. આરોપી કસાબને ભારતીય કોર્ટે મોતની સજા સંભળાવી હતી. મુંબઇ આતંકવાદી હુમલાને અનેક વર્ષ વીતી ગયા છે, પરંતુ પાકિસ્તાને અત્યાર સુધી કોઇ પણ સંદિગ્ધને સજા આપી નથી.