ઈમરાન ખાનની પક્ષ તહરીક-એ-ઈન્સાફ સત્તા પર આવે તેવા એંધાણ રુઝાનમાં ૧૧૨ બેઠકો પર આગળ
પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની પસંદગી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન બાદ અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે. વિગતો અનુસાર હાલ ઈમરાન ખાનની પાર્ટી તહરીકે ઈન્સાફ (પીટીઆઈ) સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. છેલ્લી વિગતો મુજબ ઈમરાન ખાનની પાર્ટી ૧૧૪ બેઠકો પર અને નવા શરીફની પાર્ટી (પીએમએલએન) ૬૩ બેઠકો પર આગળ છે. જયારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ૪૨ બેઠકો પર આગળ છે. અન્ય પાસે ૫૦ બેઠકોની લીડ છે.
વિગતો અનુસાર પાકિસ્તાનમાં સત્તા કબજે કરવા ચૂંટણીના મેદાનમાં ઉતરેલી હાફિઝ શઈદની પાર્ટી અલ્લાહ ઓ અકબર તહરીકનું ખાતુ પણ ખુલ્યું નથી. અલબત હાલ તો પાકિસ્તાનમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી રહી ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. અહીં હેંગ એસેમ્બલીની ભીતિ સેવાઈ રહી છે. ૨૭૨ બેઠકો માટે થયેલી ચૂંટણીમાં પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને ૧૩૭ બેઠકો જોઈએ. પૂર્વ રાષ્ટ્રપતિ અસીફ અલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ૪૨ બેઠકો પર આગળ છે.
દરમિયાન ગઈકાલે વિસ્ફોટ બાદ પાકિસ્તાનમાં એક રીતની અંધાધૂંધી ફેલાઈ છે. સૈન્યને મનપસંદ પક્ષ સત્તા પર નહીં આવે તો પાકિસ્તાનમાં સૈન્યનું શાસન પણ લાદવામાં આવી શકે તેવી દહેશત છે. હાલ તો ચિત્ર અસ્પષ્ટ છે. જો કે, નિષ્ણાંતોનું માનવું છે કે, ઈમરાન ખાનની પાર્ટીને સત્તા મળશે. બીજી તરફ પંજાબ પ્રાંતમાં પીએમએલએન આગળ હોવાનું માનવામાં આવે છે. જયાં ઈમરાન ખાનની પક્ષ બીજા નંબર પર છે. સિંધને પીપીપીનો ગઢ માનવામાં આવે છે. ત્યાં આ પક્ષ ૬૦ બેઠકો પર આગળ છે. જયારે પીટીઆઈ બીજા નંબર પર છે. બલુચીસ્તાનમાં બીએપી નામનો પક્ષ આગળ છે.