વીજળીના એક યુનિટના ભાવ રૂ. 64એ પહોંચતા દેશભરમાં વાતાવરણ તંગ
પાકિસ્તાનનું અર્થતંત્ર દિવસેને દિવસે કથળી રહ્યું છે. જીવનજરૂરી વસ્તુઓના ભાવ આસમાનને આંબી રહ્યા છે. વીજળી કે જેની જરૂરિયાત દેશના દરેક વ્યક્તિને પડે છે. આ વીજળીના એક યુનિટના ભાવ પાકિસ્તાનમાં અધધધ રૂ. 84 પ્રતિ યુનિટે પહોંચી ગયા છે. જેને પગલે દેશભરમાં વાતાવરણ તંગ બની ગયું છે.
પાકિસ્તાને આઈએમએફ પાસેથી લોન લીધા બાદ હવે તેની આકરી શરતોનુ પાલન કરવાનો વારો આવ્યો છે. જેના કારણે પાકિસ્તાનમાં વીજળી, પેટ્રોલ ડિઝલના ભાવમાં સરકારે જંગી વધારો કરતા હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાનમાં વીજળી દર તો એ હદે વધ્યા છે કે, હવે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે.
પાકિસ્તાનમાં વીજળીની કિંમત પ્રતિ યુનિટ 64 રૂપિયા સુધી પહોંચી ગઈ છે અને આ ભાવ વધારાએ લોકોની કમર તોડી નાંખી છે. તેની સામે આખા દેશમાં હવે દેખાવો થઈ રહ્યા છે. ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શને હિંસક વળાંક લીધો છે. મોંઘી વીજળીના કારણે વીજ ચોરીની ઘટનાઓ પણ હવે વધવા માંડી છે.
પાકિસ્તાનના કેર ટેકર વડાપ્રધાન અનવાર ઉલ હક કાકરે વધતા જતા વિરોધને લઈને એક ઈમરજન્સી મિટિંગ બોલાવીને 48 કલાકમાં વીજ દરોમાં ઘટાડો કરવા માટે ચર્ચા કરવાની સૂચના આપી છે.
જોકે તેના કારણે વીજ દરોમાં તાત્કાલિક અસરથી ઘટાડો થશે કે કેમ તે હજી સ્પષ્ટ થયુ નથી. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યુ હતુ કે, અમે ઉતાવળમાં એવુ કોઈ પગલુ ભરવા માંગતા નથી , જેના કારણે દેશને નુકસાન થાય. અમે એવા નિર્ણય લઈ રહ્યા છે જેના કારણે દેશની તિજોરી
પર વધારે ભારણ ના આવે. લોકો તકલીફ ભોગવતા હોય ત્યારે ઉચ્ચાધિકારીઓ કે વડાપ્રધાન મફત વીજળી લે તેવુ શક્ય નથી.
પાકિસ્તાનના એક અખબારનુ કહેવુ છે કે, પહેલા લોકોના વીજ બીલ 2500 રૂપિયાની આસપાસ રહેતા હતા અને હવે બીલ વધીને 10000 રૂપિયા સુધી પહોંચી રહ્યુ છે. જેના કારણે પહેલેથી જ મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો બેવડ વળી ચુકયા છે.
ભારે વીજ બિલના કારણે એક વ્યક્તિએ આત્મહત્યા પણ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
વીજળીના કુલ બિલ પર સરકાર હવે 48 ટકા ટેક્સ લગાવી ચુકી છે.