અબતક, રાજકોટ:
સમગ્ર દેશમાં સૌથી મોટો 1600 કિલોમીટરનો દરિયાકિનારો ગુજરાત ધરાવે છે. જેથી રાજ્યનાં દરિયા કિનારા પર લાાખો લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માછીમારી કરવા માટે માછીમારો હંમેશા ભારતીય સીમામાં છે તેટલા વિસ્તારમાં માછીમારી કરતા હોય છે. જો કે વારંવાર પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા માછીમારોનું બિનકાયદેસર રીતે અપહરણ થતું હોય છે. આવો જ એક વધુ એક માછીમારના અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરની એક બોટ સહિત 7 માછીમારોનું અપહરણ થયુ છે.
બોટનું એન્જિન દરિયામાં ખરાબ થઇ જતા બોટ મધદરિયે ફસાયા બાદ પાકિસ્તાન સુરક્ષા એજન્સી ઉઠાવી ગઈ
ભારતીય જળ સીમા નજીક પાકિસ્તાને ફરી એકવાર આ અવળચંડાઈ કરી છે. પાકિસ્તાની કોસ્ટગાર્ડે ભારતીય જળ સીમા નજીકથી પોરબંદરની એક બોટ સહિત 7 માછીમારોનું અપહરણ કર્યું છે. તુલસી મૈયા નામની બોટનું ભારતીય જળ સીમામાંથી અપહરણ કરાયું છે. બોટ વત્સલ પ્રેમજી થાપણિયાની માલિકીની હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે તુલસી મૈયા નામની આઈએનડી જીજે 11 એમએમ 1591 બોટ ઓખાથી માછીમારી કરવા માટે રવાના થઇ હતી. આ બોટમાં સાત ખલાસીઓ હતા. જો કે બોટનું એન્જિન દરિયામાં ખરાબ થઇ જતા બોટ મધદરિયે ફસાઇ હતી. તેવામાં 28 તારીખે પાકિસ્તાની એજન્સી દ્વારા 7 ખલાસી સાથે બોટનું અપહરણ કરી લેવાયું હતું.
આ બોટ માલિક માંગરોળનાં વત્સલ પ્રેમજીભાઇ થાપણીયા છે. જે ઓખા ખાતે માછીમારી કરવા માટે ગઇ હતી. બપોર સુધી બોટ માલિક સાથે સંપર્કમાં હતી. જો કે અચાનક તે સંપર્કવિહોણી થઇ હતી. તે અગાઉ પાકિસ્તાની એજન્સીઓની બોટ આવી રહી હોવાનું માછીમારોએ જણાવ્યું હતું. ત્યારબાદ સંપર્ક કપાઇ ગયા હતા. મધદરિયે ફસાયેલી બોટની મદદ કરવાનાં બદલે પાકિસ્તાને તેમનું અપહરણ કરી લીધુ છે.