પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એ હદે ખરાબ થઈ ગઈ છે ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. તેમ છતાં ત્યાંની સેના સક્ષમ બનવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે. દેશની આર્થિક સ્થિતિ સેનાને નડે નહિ તે માટે હવે સેના ખેતી શરૂ કરી રહી છે.

પાકિસ્તાનમાં 100 બિલિયન ડોલરથી વધુનો બિઝનેસ કરતી પાકિસ્તાની સેના હવે ખેતી પણ કરવા જઈ રહી છે.  હા, પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રખેવાળ સરકારે રાજ્યના ત્રણ જિલ્લા ભાકર, ખુશાબ અને સાહિવાલમાં ઓછામાં ઓછી 45,267 એકર જમીન સેનાને સોંપી દીધી છે.  પાકિસ્તાન આર્મી હવે આ જમીન પર ’કોર્પોરેટ એગ્રીકલ્ચર ફાર્મિંગ’ કરવા જઈ રહી છે.  પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આર્મીના લેન્ડ ડિરેક્ટોરેટે પંજાબના મુખ્ય સચિવ સહિત અનેક અધિકારીઓને પત્ર લખ્યા છે.  પાકિસ્તાની સેનાએ રાજ્ય પાસેથી કુલ 45,267 એકર જમીનની માંગણી કરી હતી.   અહેવાલ મુજબ, 8 માર્ચે પાકિસ્તાન સરકાર અને પંજાબ સરકાર વચ્ચેના સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ કરાર બાદ તરત જ રાજ્ય સરકારે સરકારી જમીન પાકિસ્તાન આર્મીને સોંપવી પડી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબ સરકાર, આર્મી અને ખાનગી કંપનીઓ વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.  એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ડીલથી પાકિસ્તાન સેનાને ’કોઈ ફાયદો’ નહીં મળે પરંતુ વાસ્તવમાં કમાણીમાંથી માત્ર 40 ટકા જ પંજાબ સરકારને જશે.  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પંજાબ સરકાર જમીન આપશે, ત્યારે સેના તેના સંસાધનોનો ઉપયોગ કરશે અને સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન કરશે.  જ્યારે ખાનગી ક્ષેત્ર આ પ્રોજેક્ટમાં રોકાણ કરશે અને ખાતર પણ આપશે.

પાકિસ્તાની સેનાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને દાવો કર્યો છે કે તે આ જમીનની માલિકી લેવાનું નથી.  સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે સેના માત્ર વહીવટી માળખું આપશે.  તેમણે કહ્યું કે આ જમીન મોટાભાગે ખાલી પડી છે અને તેના પર કાં તો કોઈ પાક નથી અથવા તો ઉપજ ઘણી ઓછી છે. આ સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન નિવૃત્ત સૈન્ય અધિકારીઓ અને પાકિસ્તાન આર્મી દ્વારા કરવામાં આવશે.  પાકિસ્તાની સેનાના સૂત્રોનો દાવો છે કે કૃષિ ક્ષેત્રનો વિકાસ સતત ઘટી રહ્યો છે.  તેનું કારણ સુધારામાં રહેલી ખામીઓ અને બિનઅસરકારક કૃષિ નીતિઓ છે.

પાકિસ્તાન આર્મી ભલે ગમે તેટલો દાવો કરે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે 100 થી વધુ ઉદ્યોગો ચલાવીને જંગી કમાણી કરી રહી છે.  પાકિસ્તાન આર્મી દેશમાં તેલથી લઈને ખાતર સુધીનું બધું જ વેચાણ કરી રહી છે.  આ સિવાય સેના સિમેન્ટ, વીજળી, શિક્ષણ, સુગર મિલો અને હોસ્પિટલો ચલાવે છે.  પાકિસ્તાન આર્મીનો દેશની અંદર અને બહાર 100 બિલિયન ડોલરથી વધુનો બિઝનેસ છે.  તે જ સમયે, પાકિસ્તાનની વાર્ષિક જીડીપી માત્ર 12 બિલિયન ડોલરની આસપાસ છે.  આ રીતે, પાકિસ્તાન આર્મીનો બિઝનેસ પાકિસ્તાનની કુલ જીડીપીના 8 ગણાથી વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.