પંજાબના રાજકારણમાં ધડાકો
પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખજીંદર રંધાવાના તપાસના આદેશ આપવાના આ નિર્ણયથી રાજકારણમાં ખળભળાટ
અબતક, નવી દિલ્હી : પંજાબના રાજકારણમાં ફરી ધમાકો થયો છે. પંજાબના ડેપ્યુટી મુખ્યમંત્રી સુખજીંદર રંધાવાએ કેપ્ટન સામે પાકિસ્તાની મહિલા મિત્ર અને પાક ખુફિયા એજન્સી આઈએસઆઈ સાથે કનેક્શન અંગેના તપાસના આદેશ આપ્યા છે. જેને લઈને રાજકારણ ફરી ગરમાયુ છે.
પંજાબમાં રાજકીય વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રોજ એક પછી એક નવા વિવાદ સામે આવી રહ્યા છે. હવે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદરની સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. આ અંગે પંજાબના ડિપ્ટી સીએમ સુખજીંદર સિંઘ રંધાવાએ કેપ્ટન અમરિંદર સિંઘની પાકિસ્તાની મહિલા મિત્ર અને પાક ખુફિયા એજન્સી આઈએસઆઈ સાથે કનેક્શનની તપાસ માટે કાર્યવાહક ડીજીપી ઈકબાલ પ્રીત સહોતાને આદેશ આપ્યા છે. રંધાવાએ કહ્યું છે કે, કેપ્ટન અમરિંદર સિંહને વારંવાર ચેતવ્યા છતા તેમની મહિલા મિત્ર સાડા ચાર વર્ષ સરકારી આવાસમાં રહી હતી.
ગુરુવારે જાલંધરમાં પત્રકારો સાથે વાતચીત કરતા રંધાવાએ કહ્યું કે, કેપ્ટનને કેવી રીતે જાણ થઈ કે, પંજાબ પર આઈએસઆઈનો ખતરો છે. મતલબ તેમને કોઈ જાણકારી આપી રહ્યું હતું. રંધાવાએ સ્થળ પર જ ડીજીપીને આદેશ આપ્યા કે, આ કેસની જીણવટભરી રીતે તપાસ કરવામાં આવે. તેમણે કહ્યું કે, ઈડી કેસના સામનો કર્યા બાદ અને પાકિસ્તાની નાગરિકને શરણ આપ્યા બાદ કેપ્ટને બીજેપી સાથે હાથ મેળવી લીધો છે
જાલંધરના પંજાબ આર્મ્ડ પોલીસ કોમ્પ્લેક્ષમાં આયોજીત શહીદી કાર્યક્રમમાં તેમણે ડીજીપીને કહ્યું કે, શહીદ પરિવાર પોલીસ ઓફિસના ચક્કર ન કાપે. ક્લાર્કોની સામે હાથ જોડીને ઉભા ન રહેવા જોઈએ. એવી વ્યવસ્થા કરવામાં આવે કે તેઓએ તેમની ફાઈલ લઈને અલગ અલગ ઓફિસના ધક્કા ન ખાવા. બની શકે તો દરેક જિલ્લામાં એક ઓફિસર નિયુક્ત કરી દો, જે શહીદ પરિવારના ઘરે જાય અને તેમની મુશ્કેલી સાંભળે અને તેમને દૂર કરે.
સુખજીંદર કેપ્ટનના કેબિનેટ મંત્રી હતા ત્યારે કેમ આ મુદ્દો ન લાવ્યા ? : અમરીંદર પક્ષેથી પલટ વાર
અમરિંદર સિંઘના મીડિયા સલાહકાર રવિન ઠુકરાલે પૂર્વ મુખ્યમંત્રી વતી ટ્વિટ કર્યું: “તો હવે તમે વ્યક્તિગત હુમલાઓનો આશરો લઈ રહ્યા છો સુખજિંદર. સતા છોડ્યાના એક મહિના પછી આ કાર્યવાહીનો મતલબ શુ? બરગારી અને ડ્રગ્સના કેસોમાં તમારા કાર્યવાહીના વચનોનું શું થયું? પંજાબ હજી પણ તમારી કાર્યવાહીની રાહ જોઈ રહ્યું છે. તમે મારા કેબિનેટમાં મંત્રી હતા.
આ દરમિયાન તમારા તરફથી ક્યારેય અરુસા આલમ વિશે ફરિયાદ મળી નથી. અને તે 16 વર્ષથી ભારત સરકારની મંજૂરીઓથી રહ્યા હતા. આ તો એવું થયું કે તમે એવો આરોપ લગાવી રહ્યા છો કે તમે આરોપ લગાવી રહ્યા છો કે આ સમયગાળામાં એનડીએ અને કોંગ્રેસની આગેવાનીવાળી બંને સરકારોએ આઈએસઆઈ સાથે જોડાણ કર્યું હતું?