અલગ-અલગ ઓપરેશનમાંથી જપ્ત કરાયેલા ૨૪ કિલો આરડીએક્સનો જથ્થો નાશ કરતી કાશ્મીર પોલીસ
અબતક, જમ્મુ કાશ્મીર
ભારતીય સેનાએ એલઓસીના ભીમ્બર-ગલી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને ઠાર કર્યો છે. માર્યા ગયેલા આતંકીના કબજામાંથી હથિયારો પણ મળી આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. એલઓસીના ભીમ્બર-ગલી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકીને ભારતીય સેનાએ ઠાર કરી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. માર્યા ગયેલા આતંકીના કબજામાંથી હથિયારો પણ મળી આવ્યા છે. સેનાના જણાવ્યા અનુસાર એલઓસી પર હજુ પણ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ સ્થિત સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા, લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદના જણાવ્યા અનુસાર, સેનાના સતર્ક જવાનોએ ગઈકાલે રાત્રે એલઓસીના ભીમ્બર ગલી (જિલ્લો રાજૌરી)માં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની મૂળનો એક આતંકવાદી પણ માર્યો ગયો હતો. પ્રવક્તા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીના મૃતદેહ પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.
મળતી માહિતી મુજબ આતંકવાદી સાથેના એન્કાઉન્ટર બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે જેથી કરીને એ જાણી શકાય કે માર્યા ગયેલા આતંકીના સાથીદારો નજીકમાં છુપાયેલા તો નથીને.
મહત્વપૂર્ણ બાબત છે કે ઓક્ટોબર મહિનામાં રાજૌરી-પૂંચ સેક્ટરમાં આતંકવાદીઓ સાથેની બે અલગ-અલગ અથડામણમાં સેનાના નવ જવાનો શહીદ થયા હતા. લાંબા સર્ચ ઓપરેશન પછી પણ આ આતંકવાદીઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ જ કારણ છે કે એલઓસી અને અંતરિયાળ વિસ્તારોમાં સૈનિકો સચેત રહે છે. તેનું પરિણામ એ આવ્યું કે ગુરુવારે મોડી રાત્રે ઘૂસણખોરી કરતી વખતે આતંકવાદી માર્યો ગયો છે.
પોલીસે શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષમાં વિવિધ કામગીરી દરમિયાન જપ્ત કરાયેલા ૨૪ કિલો આરડીએક્સ અને ૭૧ ગ્રેનેડનો નાશ કર્યો હતો. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ૨૦૦૯ થી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રિયાસીના મહોર-ચાસણા વિસ્તારમાં નોંધાયેલા આતંકવાદના ૧૫ કેસોમાં ગ્રેનેડ, ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ, ફ્યુઝ અને રિમોટ કંટ્રોલ, ડેટોનેટર અને આરડીએક્સ જપ્ત કર્યા છે. આકસ્મિક વિસ્ફોટની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે જપ્ત કરાયેલા વિસ્ફોટકોને કાયદેસર રીતે સુરક્ષિત રીતે નાશ કરવા માટેના આદેશની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કર્યો હતો તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેમની અરજીઓ સાંભળ્યા પછી રિયાસી સેશન્સ કોર્ટે બે કેસમાં વિનાશના આદેશો આપ્યા હતા, જ્યારે અન્ય બે કેસ જમ્મુની રાષ્ટ્રીય તપાસ એજન્સીની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેણે પાછળથી આદેશો પસાર કર્યા હતા. અન્ય ૧૧ કેસોમાં માહોરની અદાલતે વિસ્ફોટકોનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો તેવું પોલીસે જણાવ્યું હતું.