ના-પાકનું ‘પાપ’ ભોગવતું ‘પાક’
૧૪ ઓગષ્ટ, ૧૯૪૭ના રોજ અખંડ ભારતથી અલગ પડીને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનના ભાગ્યમાં ક્યારેય સામાજિક, રાજકીય શાંતિ લખાઈ જ ન હોય તેમ બાળોતિયાનું બળેલ રાષ્ટ્ર તરીકે પાકિસ્તાન છેલ્લા ૭૦ વર્ષથી એક યા બીજી રીતે સતત અસ્થિરતામાં પિસાતુ રહ્યું છષ. જો કે, ભારત સામેની રાજકીય દુશ્મનીને સતત સળગતી રાખવા માટે પાકિસ્તાને અખત્યાર કરેલા આતંકવાદના રસ્તે હવે તે પોતે જ ઘેરાયું હોય તેમ નાપાક પ્રવૃતિના પાપનો ઘડો હવે પાકિસ્તાન માટે ભરાઈ ગયો હોય તેમ ચારેકોરથી પાકિસ્તાન ઘેરાઈ ગયું છે અને સતત વર્ગવિગ્રહથી પિસાતુ રહ્યું છે.
પાકિસ્તાનના અસ્તિત્વના બીજા જ દિવસથી તેના નકારાત્મક માનસિકતા ધરાવતા શાસકોના કારણે તે પાડોશીઓનું દુશ્મન બની ગયું અને ભારતમાં આંતર વિગ્રહ અને વર્ગવાદ ઉભો કરાવી અખંડ ભારત સામે વારંવાર ભાંગફોડની ફિરાકમાં રહેતું પાકિસ્તાન પોતે જ બે કટકામાં વિભાજીત થઈ ગયું અને આજે આ વિભાજન જાણે કે ઓછુ હોય તેમ પાકિસ્તાન ભૌગોલીક રીતે ચાર કટકામાં વહેચાઈ ગયું છે અને તેમાં પણ અલગ પ્રાંતવાદ, ધર્મવાદ અને રાજવાદનો મુદ્દો ઉભો થયો છે. પાકિસ્તાનમાં સિંધ, પંજાબ, બલુચીસ્તાન અને અફઘાનિ સરહદના વિસ્તારોનો એક મોટો ભાગ પાકિસ્તાનના સત્તાવાળાઓ માટે માથાનો દુ:ખાવો બની ગયું છે.
આઝાદી બાદ પાકિસ્તાનમાં સ્થાનિક સિંધી, પંજાબી, બલોચી પ્રજાએ ભારતથી હિઝરત કરી પાકિસ્તાનમાં વસેલા લોકોને ‘મુહાજીર’ નામ આપીને તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવાનો ઈન્કાર કરી દીધો ત્યારબાદ લશ્કરી શાસનના ઓઠા હેઠળ પાકના કેટલાક શાસકોએ આતંકવાદને પ્રોત્સાહન આપ્યું. વિશ્ર્વને તાલીબાનની વિચારધારા મળી. પાકિસ્તાન અને અફઘાનની સરહદનો હજ્જારો કિલોમીટરનો વિસ્તાર ગેરમુલ્કી ઈલાકા તરીકે વિશ્ર્વ માટે માથાનો દુ:ખાવો બની ગયો. અત્યારે પાકિસ્તાન ભયંકર અફરા-તફરી, વર્ગવિગ્રહમાં ઘેરાઈ ચૂકયું છે.
પાકિસ્તાને ઉભુ કરેલું આતંકવાદનું પાપ હવે પોતાને જ ભારે પડી રહ્યું હોય તેમ તાજેતરમાં જ બલુચીસ્તાનમાં ગુરૂવારે આતંકીઓએ પાકિસ્તાન સેના ઉપર હુમલો કરીને ૧૫ની હત્યા કરી નાખી હતી. બલુચીસ્તાન લીબ્રેશન ફ્રન્ટ આ વિસ્તારમાં દાયકાઓથી આતંક મચાવે છે. પાકિસ્તાન ઓઈલ ગેસ ડેવલોપમેન્ટ કંપનીના ૮ સભ્યો અને સેનાના જવાનોની ટુકડીને આતંકીઓએ નિશાન બનાવ્યા હતા. ગુરૂવારે ગ્વાદર બંદરથી જરાપણ દૂર ન હોય તેવા ઓમાર વિસ્તાર કે જે ચીન દ્વારા વિકસીત કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર બેઈઝીંગ અને ઈસ્લામાબાદ વચ્ચે સડક માર્ગે જોડવામાં આવ્યું છે. બલુચીસ્તાન લીબ્રેશન ફ્રન્ટ અને આર્મીએ સંયુક્ત રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમીક કોરીડોર માટે આ હુમલો ચેતવણી સમાન છે. બલુચીસ્તાનના મુખ્યમંત્રી જામકમલે આ હુમલાને અમાનવીય હુમલો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ હુમલાથી પાકિસ્તાનનો વિકાસ નહીં રોકાય. ગુરૂવારનો હુમલો થોડા જ દિવસોમાં લશ્કર ઉપર આ બીજો હુમલો છે. ઉત્તર વજીરીસ્તાન અને બરજુરમાં અને ખેબર ઉસ્તુન્વામાં અગાઉ સૈનિકોના મોત નિપજયા હતા.
પાકિસ્તાનના સીમાવર્તી વિસ્તારમાં તાલીબાનો અને બલુચીસ્તાનના આતંકીઓએ સાથે મળીને પાકિસ્તાન સત્તાવાળાઓ માટે એક મોટો પડકાર ઉભો કર્યો છે. બીજી તરફ પાકિસ્તાન સરકાર સામે રાજકીય રીતે વિપક્ષોએ એક થઈને ફજલુર રહેમાન જેવા કટ્ટરવાદી નેતાઓને પ્રમોટ કરવાની દિશામાં જે પગલા ભર્યા છે તેનાથી અવશ્યપણે એવું લાગે છે કે પાકિસ્તાન ભયંકર વર્ગવિગ્રહ તરફ દોરાય રહ્યું છે.