કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદીને લઈને પાકિસ્તાનને ઉપડેલી ચૂક વચ્ચે બંને દેશોનો ઠપ થઈ ગયેલો વેપાર હવે રૂની આયાતથી ફરી શરૂ થશે
ભારતના અર્થતંત્ર માટે કરોડરજ્જુ જેવા કૃષિ ક્ષેત્રના વિકાસ અને નિકાસને વધુ માતબર બનાવીને દેશની રાજકોષીય ખાધમાં ઘટાડો અને વિદેશી હુંડીયામણમાં વૃદ્ધિ જેવા પગલાઓ લેવામાં આવી રહ્યાં છે ત્યારે પાકિસ્તાન ભારતમાંથી સારી ક્વોલીટીનો કપાસ અને રૂ આયાત કરવાની તજવીજ હાથ ધરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વેપાર-વ્યવહારનું પુન: પ્રારંભ સાથે બન્ને દેશો વચ્ચે સરહદીય શાંતિના આ માહોલમાં ઈમરાન ખાન સરકારે ભારતમાંથી રૂની આયાત કરવાની વેપારીઓને પરવાનગી આપી દીધી છે.
ભારતનો કપાસ ગુણવત્તામાં સૌથી ઉત્તમ માનવામાં આવે છે. પાકિસ્તાનના આયાતકારોને જમીની રસ્તે ભારતમાંથી કપાસ આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ ૨૦૧૯માં ભારત સરકારના કલમ ૩૭૦ નાબુદી કરવાના નિર્ણયને લઈને બન્ને દેશો વચ્ચે વેપાર-વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. ઈમરાન ખાન સરકારે ભારતમાંથી કપાસની આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. બન્ને દેશો વચ્ચે વિશ્ર્વાસનું વાતાવરણ ઉભુ થાય તે માટે પાકિસ્તાનના સલાહકાર અબ્દુલ રઝાકે કરેલા પ્રયાસો સફળ રહ્યાં છે અને આગામી થોડા જ દિવસોમાં પાકિસ્તાનના આયાતકારો ભારતમાંથી રૂ ની ખરીદી કરશે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની આર્થિક સંકલન સમીતીએ ભારત સાથેના આ વેપાર-વ્યવહારને પુન: શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાનની ૧.૨૦ કરોડ ગાસડીની જરૂરીયાતોની સામે માત્ર ૭૦ લાખ ગાસડીઓનું ઉત્પાદન થાય છે. ગઈ વખતે કપાસનું ઉત્પાદન સાવ તળીયે પહોંચી જતાં ભારતમાંથી ખુટતુ કપાસ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારત વિશ્ર્વનું સૌથી મોટુ બીજા નંબરનું કપાસ ઉત્પાદક રાષ્ટ્ર છે. અમેરિકા બાદ ભારત સૌથી વધુ કપાસ ઉગાડનારો દેશ છે. પાકિસ્તાન માટે ભારતમાંથી કપાસની આયાત ખુબજ ફાયદાકારક સાબીત થાય છે. ભારતથી રવાના થતો માલ ચોથા દિવસે પાકિસ્તાન પહોંચી જાય છે જ્યારે વિશ્ર્વના અન્ય દેશોમાંથી આવતો કપાસ પાકિસ્તાન પહોંચતા-પહોંચતા ૧ થી ૨ મહિના થઈ જાય છે. પાકિસ્તાનનું અર્થતંત્ર અત્યારે કપરી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન પર ૬.૭ બીલીયન ડોલરની લોનનું કરજ છે અને કરોડો રૂપિયાનું વ્યાજ ચડી રહ્યું છે. ચીન પાકિસ્તાન માટે આર્થિક મદદગાર છે પરંતુ ચીન સાથેનો વેપાર-વ્યવહાર પાકિસ્તાનને સરેરાશ મોંઘો પડે છે. વળી આંતરરાષ્ટ્રીય મોનીટરી ફંડે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં મુક્યુ હોવાથી વિશ્ર્વ બેંકની સહાયો અટકી પડી છે તેવા સંજોગોમાં પાકિસ્તાન માટે હવે ભારત સાથેના વેપાર-વ્યવહાર અનિવાર્ય બન્યા છે. તેવા સંજોગોમાં પાકિસ્તાન હવે ભારતમાંથી રૂની આયાત કરવા તત્પર બન્યું છે.