અબતક, ઇસ્લામાબાદ
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને એક મોટી રાહત મળી છે. પાકિસ્તાને કુલભૂષણ જાધવે આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણય અનુસાર અપીલ કરવાનો અધિકાર આપવા માટે સંસદના સંયુક્ત સત્રમાં બિલ પસાર કર્યુ છે. અગાઉ કોર્ટે પાકિસ્તાનને વિલંબ કર્યા સિવાય ભારતને કોન્સ્યુલર એક્સેસ આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું. હાલ પાકિસ્તાન માનવ અધિકાર મુદ્દે હાસ્યામાં ધકેલાઈ ગયેલું હોય અને તેવા સમયે જો જાધવને માનવ અધિકારની રુએ અપીલ કરવાની મંજૂરી ન આપે તો વધુ દબાણ ઉભું થાય જેથી પાકિસ્તાની સંસદે જાધવને અપીલ કરવાની મંજૂરી આપી દીધી છે.
મોતની સજા વિરુદ્ધ જાધવ હવે રિવ્યુ અપીલ કરી શકશે દાખલ
ભારતીય નૌસેનાના રિટાયર્ડ અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપો પર એપ્રિલ ૨૦૧૭માં મોતની સજા સંભળાવી હતી. જે બાદ ભારતે ઈન્ટરનેશનલ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને પાકિસ્તાન દ્વારા કોન્સ્યુલર એક્સેસ ના આપવા જવા અને મોતની સજાને પડકાર આપ્યો હતો.
હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે જુલાઈ ૨૦૧૯માં આપવામાં આવેલા ચુકાદામાં કહ્યુ હતુ કે પાકિસ્તાન કુલભૂષણ જાધવને દોષી ઠેરવવાનો નિર્ણય અને સજાની પ્રભાવી રીતે સમીક્ષા અને પુનર્વિચાર કરે. આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને વિલંબ વિના ભારતને કોન્સ્યુલર એક્સેસ આપવાનુ કહ્યુ હતુ. આઈસીજેએ પોતાના નિર્ણયમાં કહ્યુ હતુ કે પાકિસ્તાન કુલભૂષણ જાધવને સૈન્ય કોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા માટે યોગ્ય ફોરમ પ્રદાન કરો.