ચીન-પાક કોરિડોર જોખમમાં, ચાઇનીઝ કંપનીઓને હવે પાકિસ્તાન પર ભરોસો રહ્યો નથી, કંપનીઓએ ઉચાળા ભરવા કરી તૈયારી
ચીન-પાકિસ્તાન કોરિડોર બનાવતી કંપનીએ સલામતીનો મુદ્દો આગળ ધરી હેડક્વાર્ટર ફેરવવાની તૈયારી શરૂ કરી
આતંકવાદના જનક પાકિસ્તાનને હવે તેણે જ ઉભો કરેલો પાપ હવે ખાઇ જાય તેવી નોબત આવી છે. અફઘાનીસ્તાનમાં તાલીબાનોએ માથું ઉંચકતા સરહદી વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદીઓ પણ બેફામ બને તેવા સંજોગો વચ્ચે ચીનની કં5નીએ પહેલીવાર પાકિસ્તાનમાં અરાજકતાને લઇને પોતાના હેડક્વાર્ટર ચીનમાં લઇ જવાની જાહેરાત કરી છે. પાકિસ્તાન-ચીન કોરિડોર પ્રોજેક્ટમાં જોખમ ઉભા થયા હોવાનું જણાવી સી.પી.ઇ.સી. કંપનીએ પોતાનુ હેડક્વાર્ટર ફેરવવાની જાહેરાત કરી છે. આ કંપની પાકિસ્તાન અને ચીન વચ્ચેના મહત્વના ગવાદર બંદરના નિર્માણમાં પણ જોડાયેલી છે. કંપનીએ રાજકીય સ્થિરતા, આતંકવાદી હુમલા અને આર્થિક કટોકટી લઇને ચિંતા વ્યક્ત કરી છે. સાથેસાથે પાકિસ્તાની રૂપિયાનું સતત ધોવાણ અને ફોરેક્સ અનામતના ધોવાણને લઇને પ્રોજેક્ટમાં મોટા ગાંબડા પડે તેવો ભય સેવ્યો છે.
ચીનની આ કંપની પાકિસ્તાનના વિકાસમાં મહત્વનું કામ કરી રહી છે. ગવાદર બંદર ઉપરાંત કરાંચી નજીક એની.એ.જી. ટર્મીનલ જેવા પ્રોજેક્ટો આ કંપની પાસે હાથમાં છે અને કરોડો રૂપિયાનો વિકાસ પ્રોજેક્ટ હોવા છતાં અફઘાનીસ્તાનની પરિસ્થિતિ અને પાકિસ્તાનની આર્થિક કંગાળ હાલતને લઇને પ્રથમવાર ચીનની કંપનીઓને પાકિસ્તાન સામે અવિશ્ર્વાસ ઉભો થયો છે. પાકિસ્તાનને હવે તેનાં જ ઉભાં કરેલા આતંકવાદના દૈત્યથી જોખમ ઉભું થયું છે અને ચીન જેવા મિત્ર દેશોની કંપનીઓ પણ ઉચાળા ભરવા તૈયાર થઇ છે. આમ પણ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર 47 બિલિયન ડોલરના બદલે 62 બિલીયન ડોલરનો ખર્ચ કરવા છતાં પ્રોજેક્ટ પૂરો થયો નથી અને આ પ્રોજેક્ટ પર જોખમના વાદળા ઘેરાવા લાગ્યા છે.