પાકિસ્તાન 2016 પછી ટુર્નામેન્ટ રમવા ભારત આવશે: 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈપ્રોફાઈલ મુકાબલો
ઘણો સમય સુધી વાદ વિવાદ કર્યાં બાદ આખરે પાકિસ્તાને વર્લ્ડ કપ રમવા માટે તેની ક્રિકેટ ટીમને ભારત મોકલવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન 2016 પછી ટુર્નામેન્ટ રમવા ભારત આવશે.ઈસ્લામાબાદ સ્થિત વિદેશ મંત્રાલયે રવિવારે આ નિર્ણયની માહિતી આપી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રવિવારે પુષ્ટિ કરી કે દેશની પુરૂષ ક્રિકેટ ટીમ 2023 વનડે વર્લ્ડ કપ માટે ભારત પ્રવાસ કરશે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો પાકિસ્તાન ક્રિકેટની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને અવરોધશે નહીં.
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન રમત-ગમત અને રાજનીતિને મિક્સ નથી કરતું. આ જ કારણ છે કે સરકારે પાકિસ્તાનની ટીમને વર્લ્ડ કપ માટે ભારત પ્રવાસ માટે મંજૂરી આપી દીધી છે. જો કે વિદેશ મંત્રાલયે પણ પોતાના નિવેદનમાં પાકિસ્તાનની ટીમની સુરક્ષાને લઇને ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. બોર્ડ દ્વારા કહેવાયું કે અમે ટીમની સલામતી અંગે પણ ખૂબ ચિંતિત છીએ. અમે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ અને ભારતીય સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે પાકિસ્તાની ટીમને ભારત પ્રવાસ પર પૂરી સુરક્ષા મળશે.
વન-ડે વર્લ્ડકપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાવાનો છે, જેનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનની ટીમ પણ ભારત આવવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેની સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું. પરંતુ હવે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પોતાની ટીમને ભારત આવવાની મંજૂરી આપી દીધી છે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ તારીખ 15મી ઓક્ટોબરે યોજાવાની હતી, જે હવે તારીખ 14મી ઓક્ટોબરે રમાશે.