ભારત-પાકિસ્તાનના સંબંધો કાયમ માટે સુધરી જશે?
પાક.ના માનવ અધિકાર મંત્રી શીરીન મજારીએ મોડલ ફોર ક્ધફલીકટ રીઝોલ્યુઝન પ્રસ્તાવ તૈયાર કર્યો
આ અઠવાડીયામાં પીએમ ઇમરાન ખાન સમક્ષ રજુ કરાશે
વર્ષ ૧૯૪૭ના ભાગલા પછી ભારત- પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીનો સળગતો મુદ્દો હોય તો તે કાશ્મીર મુદ્દો છે. ત્યારે આ વિવાદીત મુદ્દાને ઉકેલવા પાકિસ્તાને નિરાકરણ શોઘ્યું છે તેમ તાજેતરમાં પાકના માનઅધિકાર મંત્રી શીરીન મજારીએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં નવી સરકાર રચાતાની સાથે જ પાકે કાશ્મીર રાગ ફરી શરુ કરી દીધો છે. શીરીન મજારીએ કહ્યું છે કે ભારત-પાક વચ્ચેનો કાશ્મીર વિવાદનો મુદ્દો ઉકેલવા એક પ્રસ્તાવ તૈયાર કરાયો છે. જેનું નામ મોડલ ફોર કોન્ફિલકટ રીઝોલ્યુશન છે.
આ પ્રસ્તાવને તૈયાર કરવા હું છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી હતી. આ પ્રસ્તાવને આ અઠવાડીયે વડાપ્રધાન ઇમરાન ખાન સમક્ષ રજુ કરાશે.
એક ટીવી શો દરમિયાન શીરીન મજારીએ આ બાબત જણાવી છે. મજારીએ વધુમાં જણાવતા કહ્યું કે આ પ્રસ્તાવથી પીએમ ઇમરાન ખાન સહમત થશે તો આગળની કાર્યવાહી હાથ ધરાશે અને જીમ્મેદાર સંસ્થાઓ સમક્ષ પણ રજુ કરવામાં આવશે.
જણાવી દઇએ કે માનવ અધિકાર મંત્રીનું પદ સંભાળ્યા પહેલા શીરીન મજારી ઇન્સ્ટીટયુટ ઓફ સ્ટ્રેટ્રેજીક સ્ટડીઝમાં ડાયરેકટર જનરલના પદ સંભાળ્યું હતું.
તેણે ઇસ્લમાબાદ ની કાયદા-એ- આજમ યુનિવર્સિટીમાં પણ ડિફેન્સ એન્ડ સ્ટ્રુેટિજિક સ્ટડીઝ ડીપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી છે. તેણીને રક્ષા મામલાના જાણકાર માનવામાં આવે છે ઉલ્લેખનીય છે કે પાકના વડાપ્રધાન બન્યા બાદ ઇમરાન ખાને પણ ઇચ્છા વ્યકત કરી હતી કે તેઓ ભારત સાથે કાશ્મીર સહીતના તમામ મુદ્દાઓ ઉકેલવા માંગે છે અને આ માત્ર વાત-ચીત દ્વારા જ શકય છે તેમ કહ્યું હતું.