પાક કબ્જા હેઠળના કાશ્મીરમાં જબરી ઉથલપાથલના સંકેત! મુશર્રફને ફાંસીની સંભાવના પૂર્વે જ સન્નાટો:-ચીન-ભારત સાબદા
ઈસુ ખ્રિસ્તના ૨૦૧૯ના વર્ષની વિદાય પૂર્વેના ચાલીસ દિવસ ભારત-પાકિસ્તાનને જબરી સનસનાટીઓ અને રાજકીય-આર્થિક ઉથલપાથળોની ઘટનાઓનું દર્શન કરાવે એવાં સંકેતો સાંપડે છે. કદાચ ચીન અને અમેરિકાને પણ ચોંકાવશે!
ભારતનાં સૌથી નીકટના પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનમાં તો કેટલાક વખતથી ઉકળતા ચરૂની સ્થિતિ રહી છે. અને વડાપ્રધાન ઈમરાનખાનનું રાજસિંહાસન ડોલમડોલ રહ્યું છે. ‘અબતક’ના છેલ્લો અહેવાલ દર્શાવે છે કે, એત તરફ પાકિસ્તાન પૂર્વ જનરલ મુશર્રફને ફાંસી આપવાનો મુદો કોર્ટમાં છે. બીજી તરફ તબીયતનું બહાનું બતાવી પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિદેશ પહોચી ગયા છે. આવા સંજોગોમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દોષનો ટોપલો ન્યાય પ્રણાલીના સીરે થોપી રહ્યા છે. જેના માઠા પરિણામો ભોગવવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. પાકિસ્તાનમાં ઈમરાન સરકાર સામે લોકોનો રોષ ધીમે ધીમે વધતો જાય છે.જેનાથી પાક. માં અંધાધૂંધી સર્જાય અને ઈમરાન સરકાર તૂટી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
પાકિસ્તાનનું સ્થાન એશિયામાં લશ્કરી દ્રષ્ટિએ સારી પેઠે વ્યૂહાત્મક છે. પાકિસ્તાન ભારતનો સૌથી નીકટનો પડોશી દેશ છે. એક વખતનો પૂર્વ પાકિસ્તાનનો પ્રદેશ પણ એમાં સમાવિષ્ટ થતો હતો. ભારતના લોખંડી અને મુત્સદ્દી વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીના શાસન વખતે થયેલા યુધ્ધ વખતે ભારતીય લશ્કરે પાકિસ્તાનના લશ્કરને નામોશી ભર્યો પરાજય આપીને પૂર્વ પાકિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરીને તેને નવા બાંગ્લાદેશમાં પરિવર્તિત કરી દીધો હતો. આમ, બાંગ્લાદેશ ભારતનો બીજો નીકટનો પડોશી દેશ છે.
ભારતનાં અન્ય પડોશી દેશોમાં ચીન નેપાળ અને શ્રીલંકા પણ છે. અને અફઘાનિસ્તાન પણ છે. એમની સરહદો ભારતની સરહદની લગોલગ છે.
ચીને તો ભારતની સરહદે અચાનક અને દગાબાજી પૂર્વકનું લશ્કરી આક્રમણ કરીને ઈશાન ભારતનો ઘણો બધો વ્યૂહાત્મક મુલક બળજબરીથી પડાવી લઈને તેના ઉપર તે પલાંઠી વાળીને કશીજ શેહશરમ કે દહેશત વગર બેઠું છે. ભારતની સંસદે ચીનના આ દુષ્કૃત્યને વખોડી કાઢીને તેને પાછો મેળવવાના નિર્ધારતો સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. તે આજેય જેમનો તેમ મોજૂદ છે. એ પછી છેક અત્યાર સુધી ચીન ભારત વચ્ચે કોઈ નિશ્ર્ચિત આંતરરાષ્ટ્રીય સરહદ નથી.
સદીઓ પહેલા હિન્દુસ્તાનનું સ્વર્ગ ગણાતો રહેલો તિબેટનો પ્રદેશ અત્યારેય ચીનના કબ્જામાં છે. ઓછામાં પૂરૂ ભારતનો એક ભાગ ગણાયેલું અરૂણાચલ, ત્યાં ભારતીય પ્રજાકીય રાજય સરકાર હોવા છતાં ચીને એવી તકરાર ઉભી રાખી છે કે, અરૂણાચલનો પ્રદેશ મૂળભૂત રીતે ચીનનો છે અને તેના ઉપર ચીનનો રાક્ષસી ડોળો પણ છે.
ભારતના સિકકીમના પ્રદેશ ઉપર પણ તેનો તરકટી ડોળો છે. પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરનો અમુક ભાગ પાક સત્તાધીશોએ ચીનને વેંચી દીધો છે. અને નિરંકુશરીતે એ પ્રદેશના ચીન સાથે ગેરકાયદે સાટાદોઢા કરી લીધા છે. ચીને એનો લાભ ચીન ભારત-પાકિસ્તાન વ્યૂહાત્મક સરહદે તેની લશ્કરી રણ ગાડીઓ આરામથી પહોચી જઈ શકે એવો ચીનથી શ્રીનગરની સીમા સુધીની પાકી સડક ઉભી કરી લીધી છે!
જો આને લગતી માહિતી ખરીજ હોય તો એક બાજુ ચીન અને બીજી બાજુ ભારતે પોતાની હકૂમતનો હોવાની જાહેરાત કરીને તેને ભારતીય લશ્કરનાં હવાલે મૂકી દેવાની ગતિવિધિઓ કરી છે તે સામેસામા આવી જઈ શકશે..!
પાકિસ્તાનની વર્તમાન રાજકીય ઉથલપાથલ ભારત અને ચીનને સ્પર્શે એવો ઘાટ અહી દ્રષ્ટિગોચર થાય છે!
પાકિસ્તાનનો ઉકળતો ચરૂ કોને કોને ઉંચાનીચા કરશે અને કોને કોને રાતાપીળા કરશે એ સવાલ અતિ ગંભીર બની રહે તો નવાઈ નહિ! આ ઉપરાંત ભારતે ફ્રાન્સના રાફેલ જેટ પણ મેળવ્યા છે, જે અભ્યાસીઓમાં તર્કવિતર્કનો વિષય બન્યા છે.
આ બધાનો સારાંશએ છે કે, પાકિસ્તાનની કથિત રાજકીય અને આર્થિક નાદારી તેમજ ઈમરાનખાન ભેદી રીતે પાકિસ્તાનમાંથી રફુચકકર થયા છે તે બધું નવી સનસનાટીઓ અને અજબ-ગજબ ઉથલપાથલો ઉભી કરે એવી સંભાવના દર્શાવે છે; ભારતે એની ગંભીર નોંધ લેવી પડે તેમ છે !