ભારત સાથે વણસેલા સંબંધો સુધારવા

મુકત કરાયેલા ૧૦૦ કેદીઓમાં તમામ સૌરાષ્ટ્રના માછીમારો હોય માછીમાર સમાજમા હર્ષની લાગણી: મુકત કરાયેલા માછીમારોને આજે વાઘા બોર્ડરે ભારત સરકારને સોંપવામાં આવશે

કાશ્મીરનાં પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસેલા છે. આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા પાકિસ્તાનને ભારત સહિતના પાડોશી દેશો સાથે દુશ્મની પાલવે તેમ ન હોય ઈમરાનખાન સરકારે ભારત સહિતના પાડોશી દેશો સાથે સંબંધો સુધારવા તજવીજ હાથ ધરી છે. જેના ભાગરૂપે ખાન સરકારે પાકિસ્તાનની જેલમાં લાંબા સમયથી સબડતા ૩૬૦ જેટલા ભારતીયો કે જેમાં મોટાભાગના ગુજરાતનાં માછીમારો છે તેમને ચાર તબકકામાં મુકત કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ તબકકામાં ૧૦૦ કેદીઓને મૂકત કર્યા બાદ ગઈકાલે બીજા તબકકામાં ૧૦૦ કેદીઓને મૂકત કર્યા છે. જેને આજે વાઘા બોર્ડરથી ભારતીય અધિકારીઓને સોંપવામાં આવનારા છે.

પાકિસ્તાન સરકાર આ પહેલા ગત ૭મી એપ્રીલે ૧૦૦ ભારતીય કેદીઓને મૂકત કરીને વાઘા બોર્ડરેથી ભારતીય અધિકારીઓને સોંપ્યા હતા. ગઈકાલે બીજા તબકકામાં પાકિસ્તાનની કરાંચી જેલમાં સબડતા ૧૦૦ ભારતીય કેદીઓને મુકત કર્યા હતા. આ ભારતીય કેદીઓ અંગેની દસ્તાવેજી કાર્યવાહી કરીને આજે તેમને વાઘા બોર્ડરથી ભારતીય અધિકારાઓને સોંપવામાં આવનારા છે. આ મુકત કરાયેલા ૧૦૦ ભારતીય કેદીઓમાં તમામ ગુજરાતનાં માછીમારો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના આ માછીમારો દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતા હતા ત્યારે પાકિસ્તાની મરીન દળોએ સમયાંતરે તેમને પકડીને જેમાં ધકેલી દીધા હતા. પાકિસ્તાનની જેલોમાં સબડતા ૩૬૦ કેદીઓ કે જેને ઈમરાનખાન સરકારે છોડવાની જાહેરાત કરી છે તેમના ૩૫૫ કેદીઓ માછીમારો હોવાનું ખૂલવા પામ્યું છે. બાકી રહેલા ૧૬૦ કેદીઓને આગામી તા. ૨૨ અને ૨૯ના રોજ છોડવામાંઆવનારા છે. ૨૨મીએ ૧૦૦ જે કેદીઓને છોડાશે તેમાંના તમામ ગુજરાતનાં માછીમારો હોવાનું જયારે ૨૯મીએ જે બાકી રહેલા ૬૦ કેદીઓને છોડવામાં આવશે તેમાં ૫૫ માછીમારોનો સમાવેશ થાય છે. પાકિસ્તાન સરકારના ભારતીય માછીમારોને છોડવાના નિર્ણયથી સૌરાષ્ટ્રના માછીમાર સમાજમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.