ડુંબતે કો તો તીનકે કા સહારા કાફી…એવી હાલત હાલ પાકિસ્તાનની થઇ છે. પાકિસ્તાનમાં અત્યારે ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. તેવામાં પાકિસ્તાન વિશ્વભરમાં સહાયની મીટ માંડીને બેઠું છે અંતે તેને સાઉદી અરેબિયામાંથી સહાય મળવાની છે જેને લીધે પાકિસ્તાને હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે.
પાકિસ્તાનનું વિદેશી ભંડોળ ઓછુ થઇ રહ્યું છે જેના લીધે ભવિષ્યમાં આર્થિક સંકટ ઉભું થઇ શકે છે. હાલના સમયમાં પણ પાકિસ્તાનની આર્થિક હાલત ગંભીર છે. એવામાં સાઉદી અરેબિયાએ ફરી એકવાર તેમને આર્થિક સંકટ માંથી બહાર લાવવા હાથ લંબાવ્યો છે. સાઉદી અરેબિયાના રાજા પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનમાં તેમનું રોકાણ વધારીને 10 અબજ ડોલર કરવાની જાહેરાત કરી છે.
ક્રાઉન પ્રિન્સે સાઉદી ડેવલપમેન્ટ ફંડને પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકમાં સાઉદી થાપણોની રકમને પાંચ અબજ ડોલર સુધી વધારવા વિશે પણ વિચાર વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન મદદની આશાએ સાઉદીની મુલાકાતે ગયા હતા. પાકિસ્તાન પણ લાંબા સમયથી કોઈની મદદની રાહે હતું એવમાં સાઉદી તરફથી હાલ પુરતી તેમને મદદ મળી છે. પાકિસ્તાનના નાણાપ્રધાને તાજેતરમાં જ કહ્યું હતું કે સાઉદી અરેબિયાથી ટૂંક સમયમાં પૈસા રોકવામાં આવશે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ એક વર્ષમાં બે વખત સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા. તાજેતરમાં જ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પણ સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા. આ મુલાકાતોનો હેતુ સાઉદી અરેબિયા પાસેથી આર્થિક મદદ મેળવવાનો હતો. સુત્રોએ એવું કહ્યું કે, પ્રિન્સ મોહમ્મદે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને તેના લોકોને મદદ કરવા માટે આ મદદ આપી છે.
અગાઉ ઓગસ્ટ તેમજ ડિસેમ્બર 2022માં પણ પાકિસ્તાનમાં રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાન ફરી એકવાર ડિફોલ્ટની પરિસ્થિતિએ આવી ગયું છે. ત્યાં વિદેશી ભંડોળ 5 અબજ ડોલરની નીચેની સપાટીએ પહોંચી ગયો છે, તેથી સાઉદી સરકારે ત્યાંની અર્થવ્યવસ્થા અને પાકિસ્તાનના લોકોને મદદ કરવા માટે આ પગલું ભર્યું છે. પાકિસ્તાનના વિદેશી ભંડોળમાં 6.7 અબજ યુએસ ડોલરનો ઘટાડો થયો છે. ચીન તરફથી પણ રોકાણમાં ઘટાડાથી અર્થવ્યવસ્થા કથળી રહી છે.