૨૭૩ ના લક્ષ્ય સામે પાકિસ્તાન માત્ર ૬૯ રનમાં ધરાશાયી: ૩ ફેબ્રુઆરીએ રમાનારી ફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલીયા સામે થશે
ભારતના ૧૯ વર્ષની નીચેની વયના યુવા ક્રિકેટરોએ આઇસીસી અન્ડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધાનો સેમી ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ૨૦૩ રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે પહેલા બેટીંગ કરી ૨૭૩ રનનો પહાડી લક્ષ્ય આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરી રહેલી પાકિસ્તાનની ટીમ માત્ર ૬૯ રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી. હવે ૩જી ફેબ્રુઆરીએ રમાનારી ફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલીયા સામે થશે.
ભારત અન્ડર-૧૯ ના કેપ્ટન પૃથ્વી શોએ આજની મેચમાં ટોચ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ૫૦ ઓવરમાં ૯ વિકેટ ર૭ર રન ફટકાર્યા હતા. શુભમાન ગિલે ૧૦૨ રન કર્યા હતા. આ વર્લ્ડકપમાં સદી ફટકારનાર પહેલો ભારતીય બન્યો છે. તેણે માત્ર૯૩ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
ત્યારબાદ ભારતના બોલરોએ જોરદાર તરખાટ મચાવીને પાકિસ્તાનને માત્ર ૬૯ રનમાં તંબુ ભેગું કરી દીધું હતું. પાકિસ્તાનની બેટસમેનો માત્ર ૨૯.૩ ઓવરનો જ સામનો કરી શકયા હતા. મઘ્યમ ઝડપી બોલર ઇશાન પોરેલે ૬ ઓવરમાં ૧૭ રનમાં ૪ વિકેટ ઝડપી હતી. આ ચારેય વિકેટ પાકિસ્તાનના દાવના આરંભમાં જ ઝડપી હતી. જેને કારણે પાકિસ્તાનની બેટીંગ ધરાશાયી થઇ ગઇ હતી. શિવાસિંહ અને રિયાન પગારે વ્યકિતગત બે વિકેટ લીધી હતી. જયારે અનુ કુલ રોય અને અભિષેક શર્માએ એક એક વિકેટ ઝપડી હતી. હવે ૩જી ફેબ્રુઆરીએ રમાનારા ફાઇનલ મુકાબલામાં ભારત ઓસ્ટ્રેલીયા સામે ટકરાશે સૌ ક્રિકેટ પ્રેમીઓની નજર ફાઇનલ મુકાબલા પર છે.