માગી ખાવું અને મસીદે સુવું..! આવી સ્થિતી છે આજે આપણા પડોશી દેશ પાકિસ્તાનની..! જ્યાં એક કિલો સાકર 145 રૂપિયે વેચાય છે અને એક લિટર પેટ્રોલ 282 રૂપિયે વેચાય છે. દવાઓનાં ભાવમાં 20 ટકાનો વધારો થયો હોવા છતાં દવા કંપનીઓને ટકી રહેવા માટે વધારે વધારાની જરૂર છે. ચાણક્યની રાજનિતી કહે છે કે જે પ્રાંતમાં રાજકિય સ્થિરતા નહોય ત્યાં આર્થિક અસ્થિરતા આવે છે આજ રીતે જ્યાં આર્થિક અસ્થિરતા આવે ત્યાં રાજનૈતિક અસ્થિરતા પણ આવે જ છૈ. પાકિસ્તાનમાં આજે આ બન્ને સાથે આવ્યા છે. તેથી હવે પાકિસ્તાન ફરી મજબુત ક્યારે થશે તે અલ્લાહ જાણે..!
ગત સપ્તાહની જ વાત કરીઐતો ઇમરાનખાનની ઘરપકડ બાદ દેશભરમાં થયેલા તોફાનો અને ત્યારબાદ કોર્ટના આદેશને પગલે ઇમરાનખાનનો થયેલો છુટકારો અગામી દિવસોમાં પાકિસ્તાનમાં રાજકિય કટોકટી લાવશૈ તેવો અંદેશો મળી રહ્યો છે. આ સાથે જ હવે દેવાળિયા પાકિસ્તાનને આઇ.એમ.એફ તરફથી મળનારી આર્થિક સહાય પણ ઘોચમાં પડી શકે છૈ. પાકિસ્તાન પાસે નિકાસના નામે કોઇ ધંધો નથી, પાકિસ્તાની રૂપિયો દેશની ઇકોનોમીની જેમ જ ઘસાઇને જર્જરિત થઇ ગયો છૈ. એક ડોલર માટે 300 રૂપિયા ચુકવવા પડે ત્યારે શું હાલત થાય તે સમજી શકાય છે. ફોરેન કરન્સીનું ભંડોળ ખાલી થઇ રહ્યું છે. પાકિસ્તાનને વૈશ્વિક બજારનું દેણું ચુકવવા માટે જુન-23 સુધીનો સમય મળ્યો છે જેમાં તેને છ અબજ અમેરિકન ડોલરનું ચુકવણું કરવાનું છે. હાલમાં પાકિસ્તાન પાસે 5.52 અબજ ડોલરનું હુડિંયામણ જમા છે. આઇ.ઐમ.એફ.ના દરવાજે છાશવારે ટહેલ નાખવા છતાં 1.1 અબજ ડોલરની સહાય મળી નથી. હવે રાજકિય અસ્થિરતાને પગલે હાલત વધુ નાજુક થશે.
પાકિસ્તાનની રાજનીતિને નજીકથી જાણતા નિષ્ણાંતો કહે છે કે ઇમરાનખાન હાલમાં ભલે જામીનપર મુક્ત થયા હોય પણ ઇતિહાસ ગવાહ છૈ કે પાકિસ્તાનમાં સત્તા વિમૂખ થયેલા વડાપ્રધાનોને કાંતો વિદેશ ભાગી જવું પડતું હોય છૈ અથવા તો જેલવાસ ભોગવવો પડતો હોય છે. ઇમરાનખાન માટે પણ હવે આવા જ કોઇ વિકલ્પ બચશૈ એવું ચર્ચાય છે.
દેશમાં વિકાસનાં નામે મીંડા છે, ફોરેન કરન્સીનાં અભાવે આયાત ઘટતા લોકોને ખાવાનાં સાંસા છે. એપ્રિલ-23 માં ફૂગાવો 36.4 ટકા એ પહોંચ્યો છે. ખાદ્ય સામગ્રીની મોંઘવારી શહેરોમાં 47 ટકા વધી છૈ જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં 52 ટકા વધી છે. હાલની મોંઘવારી 1964 ના વર્ષ બાદની સૌથી વધારે હોવાનું જણાવાય છે. આજે દેશનો મોટો વર્ગ એવો છે જે વગર રમજાને રોજાં કરવા પડે તેવા દિવસો પસાર કરી રહ્યો છે. આજે દેશ પાસે રહેલું ફોરેક્સ રિઝર્વ માંડ એક મહિનાની આયાત કરી શકાય એટલું બચ્યું છે. હવે તો વિશ્વ બેંકે પાછલા મહિને ચેતવણી આપી છે કે દેશમાં છેલ્લા બે દાયકાની સૌથી વધારે ગરીબી છે.
બાકી હતું તો ઇમરાનખાનની ઘરપકડ અને તોફાનો વચ્ચે ઇન્ટરનેટ, મોબાઇલ નેટવર્ક અને બજારો બંધ થતાં બધું ખોરવાઇ ગયું હતું. આઇ.એમ.ઐફનો ફાઇનાન્શ્યલ પ્રોગ્રામ નવેમ્બર-22 થી અટકી ગયો છે જેની મુદત જુન-23 માં પુરી થાય છે. પાકિસ્તાન આઇ.એમ.એફ નો ટેકો ફરી શરૂ કરવા માટે હવાતિયાં મારી રહ્યું છે. પણ પાકિસ્તાનની જરૂરિયાત એટલી વધારે છૈ કે આઇ.એમ.એફ. ને પણ આટલા નાના પાકિસ્તાન પાછા આપી શકશે કે કેમ તે અંગે કોઇ ભરોસો નથી. તેથી મામલો અટકી ગયો છે. મુડીઝનો અંદાજ છે કે પાકિસ્તાનને 2024 માટે 35 થી 36 અબજ ડોલરની બાહ્ય સહાયની આવશ્યકતા રહેશે. આજનાં સંજોગોમાં દેશની કુલ આવકનાં 50 ટકા નાણા દેણાનાં વ્યાજ ચુકવવામાં જાય તેવી સ્થિતી છે. મતલબ કે બાર હાથનું ચિભડું અને તેર હાથનું બીજ જેવા ઘાટ છે. આવી હાલતમાં પાકિસ્તાન મુદલ ક્યારે ચુકવી શકશે તે એક મોટો સવાલ છે.
દેશનાં અર્થતંત્રની ગાડીને પાટે ચડાવવા માટે ખર્ચ ઘટાડો અને ટેક્ષ વધારો વાળી નીતિ પણ અપનાવાઇ હતી પણ દરેક વખતે ટેક્ષ વધારવાથી જનતા કરવેરા ભરશે જ એવું પણ નથી. જનતા કમાય તો ટેક્ષ ભરે, નુકસાન કરે તો ટેક્ષ ક્યાંથી ભરે? હવે હાલની સરકાર જુની સરકાર એટલે કે ઇમરાનખાન ઉપર દોષનો ટોપલો ઢોળી રહી છે. લોકશાહીમાં આવું જ ચાલતું હોય છે. પણ તેમાં જનતાનો શું વાંક?
આઝાદ પાકિસ્તાનનાં ઇતિહાસમાં સૌ પ્રથમ વાર એવું બન્યું છે કે પાકિસ્તાનને 240 લાખ ડોલરની બચત કરવા માટે સાઉદી અરેબિયાને હજ ક્વોટા પાછા આપવા પડ્યા છે. કા્રણ કે આજે પાકિસ્તાનમાં હજયાત્રા એક લક્ઝરી પ્રવાસ બની ગયો છે. કારણ કે એક વર્ષમાં હજયાત્રાનો ખર્ચ 75 ટકા જેટલો વધી ગયો છે. ઇસ્લામમાં કહેવાયું છે કે એક વયસ્ક મુસ્લિમ જે ખર્ચ કરી શકે તેમ હોય અને આરોગ્યથી તંદુરસ્ત હોય તેને એકવાર તો સાઉદીનાં મક્કા ખાતે હજ યાત્રા કરવી જ જોઇએ સામાન્ય રીતે ઇસ્લામિક કેલેન્ડરનાં છૈલ્લા મહિનાનાં હજ યાત્રા કરવાની હોય છે. આ એક મહિનામાં સાઉદીમાં યાત્રાળુઓનો એટલો મોટો ધસારો હોય છૈ કે સાઉદીમાં તેમની વ્યવસ્થા કરવી અઘરી બને છે તેથી સાઉદી દર વર્ષે ઇસ્લામિક દેશોને તેમના દેશમાંથી ચોક્કસ માંજ યાત્રાળુઓને આવવાની પરવાનગી આપે છે. એક સમય હતો જ્યારે મુસ્લિમ દેશ હોવાના નાતે પોતાને વધારે હજ ક્વોટા મળે તે માટે પાકિસ્તાની સરકાર સાઉદી ઉપર દબાણ લાવીને લોબીંગ કરતી હતી. જ્યારે આ વખતે 179000 હજ યાત્રીઓની વ્યવસ્થા કરી શકાઇ છે અને 8000 સીટનો ક્વોટા પાછો આપવો પડ્યો છે. એકતરફ દેશમાં આશરે 10 લાખ લોકો બેરોજગાર થયા છે તો બીજીતરફ એક હજયાત્રીની યાત્રા પાછળ થતો ખર્ચ વધીને 12 લાખ પાકિસ્તાની રૂપિયા થઇ ગયો છે.હવે સાઉદી આ 8000 સીટનો ક્વોટા અન્ય દેશને ફાળવશે. મતલબ કે અન્ય દેશનાં લોકો હજયાત્રા કરશૈ અને પાકિસ્તાનીઓ દુઆ કરશે કે
મુબારક હો તુમ સબ કો હજકા મહિના નથી હમારી કિસ્મત કે દેખેં મદિના મદિને વાલો કોં!