90ના દશકામાં પાકિસ્તાની ટીમ સારી હતી, જ્યારે અત્યારે ભારતની ટીમ શ્રેષ્ઠ છે : સરફરાઝ
વર્લ્ડ કપ મુકાબલામાં રવિવારે ભારત સામે હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદે ભારતીય ટીમના વખાણ કર્યા છે. સરફરાઝે કહ્યું કે, જે ટીમ દબાણને ઝીલી લે છે, તે જ મેચ જીતે છે. 90ના દશકાની પાકિસ્તાન ટીમ આવું કરવામાં અવલ્લ હતી પરંતુ હવે ભારતીય ટીમ અમારા કરતા સારી છે. સાથે જ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે, સફરાઝ મેચ દરમિયાન અસમંજસમાં હતા. તેઓ અને પાકિસ્તાની ટીમ વિચારની શક્તિ ખોઈ બેઠા હતા.
સરફરાઝે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમારી ટીમે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ જ હારનું કારણ હતું. મેચ પહેલા જ વડાપ્રધાન ઈમરાનખાને ટ્વીટ કર્યુ હતું કે, પહેલા બેટિંગ પસંદ કરવી જોઈએ આ ઉપરાંત તેમને ટ્વીટર પર અન્ય ઘણા સૂચનો પણ કર્યા હતા. જો કે, સરફરાઝે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. સરફરાઝે નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, ટોસ જીત્યા બાદ વિરાટે પણ કહ્યું હતું કે, તેઓ પણ ફિલ્ડીંગ જ પસંદ કરત. અમે બે દિવસથી પીચ જ જોઈ ન હતી. જ્યાં થોડું ભેજ હતું. જેથી અમે ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અમે ટોસ જીત્યો પણ યોગ્ય બોલિંગ કરી શક્યા ન હતા.
એક પત્રકારે પાકિસ્તાની કેપ્ટનને પુછ્યું કે, મેચમાં તેમની બોડી લેન્ગવેન્જ નેગેટિવ કેમ હતી? આ અંગે સરફરાઝે કહ્યું કે બની શકે છે તમે એવું કંઇ જોયું હોય, પરંતુ અમારા ખેલાડીઓ સતત પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્ડીંગમાં થોડી ભૂલો થઈ હતી. અમે રોહિતને રન આઉટ કરવાની તક ગુમાવી હતી. જો અમે તેને રન આઉટ કર્યો હોત તો પરિણામો અલગ જ હોત.
પત્રકારોએ પાકિસ્તાની ટીમમાં સિનીયર ખેલાડીઓ વચ્ચે વિવાદ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. આ અંગે સરફરાઝે કહ્યું કે, ડ્રેસિંગ રૂમમાં કોઈ વિવાદ નથી. દરેક ખેલાડી એક બીજાની સાથે છે. જો સવાલ એવો હોય કે શોહેબ અને હાફીઝને મેં ફરી બોલિંગ કેમ ન આપી તો, તેની મને જરૂરીયાત લાગી ન હતી. બન્ને બોલરો પોતાની ઓવરમાં 11-11 રન આપી ચુક્યા હતા. બન્ને ભારતીય બેટ્સમેન પણ ક્રીઝપર જામી ચુક્યા હતા.
સચિને કહ્યું કે, મને લાગે છે કે , તેઓ મુંઝવણમાં હતા, કારણ કે જ્યારે વહાબ રિયાઝ બોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને શોર્ટ મિડ-વિકેટ પર ખેલાડીને રાખ્યો હતો. ત્યારબાદ જ્યારે શાદાબ બોલિંગ માટે આવ્યા તો તેને સ્લીપ પર ફિલ્ડીંગ લગાવી દીધી. મેચ દરમિયાન તેમના વિચાર અને કલ્પના શક્તિમાં ખામી જોવા મળી હતી.