સહાય મેળવવા માટે પાકિસ્તાને વિશ્વ ભંડોળ સંસ્થાની તમામ શરતો માનવા તૈયારી બતાવતા જ રૂપિયામાં મોટો કડાકો
અબતક, નવી દિલ્હી : રોકડ સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ચલણમાં ગુરુવારે ડૉલરની સરખામણીમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો હતો. સરકારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી રાહત પેકેજના આગામી હપ્તાને લઈને તેની કડક શરતો સ્વીકારવા સંમતિ દર્શાવ્યા બાદ ચલણના મૂલ્યમાં ઘટાડો થયો છે. બુધવારે પાકિસ્તાની રૂપિયો 230 રૂપિયા પ્રતિ ડૉલર પર બંધ થયો હતો. ગુરુવારે બજાર ખુલ્યાના થોડા જ કલાકોમાં તે વધુ ઘટીને 255 રૂપિયા પર આવી ગયો. સરકારે હાલમાં આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
પાકિસ્તાન પર પહેલાથી જ લગભગ 100 બિલિયન ડોલરનું દેવું છે. તેમાંથી 21 બિલિયન ડોલર આ નાણાકીય વર્ષમાં ચૂકવવાના છે. દેશ અત્યારે ઉધાર લઈને લોન ચૂકવી રહ્યો છે. જ્યાં સુધી સામાન્ય લોકોની સ્થિતિનો સવાલ છે. દેશમાં વીજળી નથી. મોંઘવારીના કારણે લોકો પરેશાન છે. દેશમાં સામાન્ય લોકોને લોટ અને દાળ નથી મળી રહી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આર્થિક સંકટને કારણે સમગ્ર પાકિસ્તાનમાં રમખાણો ફાટી શકે છે.
પાકિસ્તાન પોતાનું દેવાળીયું ફૂંકાવાને રોકવા માટે 6 બિલિયન ડોલરના રાહત પેકેજમાંથી 1.1 બિલિયન ડોલરનો મહત્વપૂર્ણ હપ્તો મેળવવા માંગે છે. પાકિસ્તાન રાહત પેકેજ જાહેર કરવા માટે આઈએમએફ સાથે વાત કરી રહ્યું છે. પાકિસ્તાની રૂપિયામાં ઘટાડો એ સંકેત છે કે પાકિસ્તાન આ સમયે આઈએમએફ પાસેથી ખૂબ જ જરૂરી લોન મેળવવાની ખૂબ નજીક છે.
થોડા દિવસો પહેલા, પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે કહ્યું હતું કે તેમની સરકાર છેલ્લા કેટલાક મહિનાઓથી અટકેલા 6 બિલિયન ડોલરના રાહત પેકેજને પુનઃસ્થાપિત કરવા માટે આઈએમએફની મુશ્કેલ શરતોને સ્વીકારવા માટે તૈયાર છે. વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડાની વચ્ચે પાકિસ્તાન સૌથી ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાન હવે રીતસર આઈએમએફના ઘૂંટણિયે પડી ગયું છે. અને તેની તમામ શરતો માનવા તૈયાર છે.
પાકિસ્તાનની નિકાસ પણ ખૂબ જ ખરાબ સમયનો સામનો કરી રહી છે. વાસ્તવમાં, પાકિસ્તાનમાં કામ કરતી વિદેશી શિપિંગ કંપનીઓ તેના માટે તેમની સેવાઓ બંધ કરવાનું વિચારી રહી છે. આવી સ્થિતિમાં દેશની તમામ નિકાસ અટકી શકે છે. પાકિસ્તાન શિપ એજન્ટ એસોસિએશનના અધ્યક્ષ અબ્દુલ રઉફે નાણા મંત્રી ઈશાક ડારને પત્ર લખીને ચેતવણી આપી છે કે શિપિંગ સેવાઓમાં કોઈપણ વિક્ષેપ દેશના આંતરરાષ્ટ્રીય વેપાર માટે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.