અબતક, નવી દિલ્હી:
મુન્દ્રા પોર્ટ પરથી ખસખસ, સોપારી બાદ હવે પાકિસ્તાન આર્મીની સામગ્રી મળી આવતા ચકચાર મચી ગઈ છે. મુન્દ્રા પોર્ટ પરથી 10 કન્ટેનરમાંથી પાકિસ્તાન સૈન્યની સામગ્રી મળી આવી છે. આફ્રિકાથી આયાત 200 ટન ભંગારમાં પાકિસ્તાની સામગ્રી મળી આવતા તપાસ હાથ ધરવામાંઆવી છે. કસ્ટમ દ્વારા વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પાકિસ્તાન આર્મીની સામગ્રી મળતા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.
ભંગારમાં પાકિસ્તાન આર્મીની યુદ્ધ સામગ્રી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ : તપાસનો ધમધમાટ
આ વિશે મળતી માહિતી પ્રમાણે, મુન્દ્રા પોર્ટ પર 10 કન્ટેનરમાંથી પાકિસ્તાન સૈન્યની સામગ્રી મળી આવી છે. આફ્રિકાથી આયાત 200 ટન ભંગારમાં પાકિસ્તાની સામગ્રી મળતાં સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ છે. એજન્સીઓ સાથે કસ્ટમે છેલ્લા થોડા દિવસોથી સતત તપાસ હાથ ધરી છે અને ઈનપુટના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ અમેરિકન ગાંજો, ખસખસ, સોપારીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
જાણવા મળી રહ્યું છે કે અમદાવાદની સાઈ બંધન ઈન્ફિન્યૂયમ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા મુન્દ્રા બંદર પર આવેલા હિન્દુ ટર્મિનલ ખાતે સ્ક્રેપના શિપિંગ બિલ તળે આફ્રિકાથી આવેલા 10 કન્ટેનર આયાત કરવામાં આવ્યા હતા. આમાં ભંગારનો જથ્થો હતો. કસ્ટમને બાતમી મળી હતી કે, આ ભંગારના જથ્થામાં વાંધાજનક સામગ્રી છે જેથી આ કન્ટેનરોને રોકવામાં આવ્યા હતા. અને આ 200 ટન જેટલા ભંગારની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં ભંગારની સાથે પાકિસ્તાન આર્મી દ્વારા વપરાયેલી યુદ્ધ સામગ્રી પણ મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનથી આયાત થતા ભંગાર પર 200 ટકા ડયૂટી વસૂલવામાં આવતી હોય છે. આ કન્ટેનરો આફ્રિકાથી આવ્યા હોવાના લીધે પાકિસ્તાનથી મુન્દ્રા વાયા આફ્રિકા લાવીને ડ્યૂટી ચોરી કરાઇ હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે.