પાક.ના હની ટ્રેપમાં સપડાયેલા ડીઆરડીઓના વરિષ્ઠ એન્જિનિયરની ધરપકડ
મહારાષ્ટ્રની એન્ટી ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)એ પુણેના ડીઆરડીઓના એક વરિષ્ઠ એન્જિનિયરની હનીટ્રેપના પ્રકરણમાં ધરપકડ કરી હતી. ૬૦ વર્ષીય પ્રદિપ કુરલકર (૬૦) રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટ (એન્જિનિયર્સ) જે ડીઆરડીઓ, પુણેનો એક મહત્વનો વિભાગ છે તેના ડાયરેક્ટર છે.
એટીએસના અધિકારીઓને શંકા છે કે પાકિસ્તાની જાસૂસોના હનીટ્રેપમાં ફસાયેલા કુરલકરે ‘ખોટી વાતચીત’ કરી મહત્વની માહિતી આપી હોવાની શંકા છે. કુરલકરે મિસાઇલ ટેક્નોલોજી સહિત મહત્વના પ્રોજેક્ટમાં અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા ક્ષેત્રમાં કામ કર્યું છે. કુરલકરની ઓફિશિયલ સિક્રેટ એકટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
આ સંદર્ભે એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ માધ્યમોને જણાવ્યું હતું કે ડીઆરડીઓ તરફથી ફરિયાદ મળ્યા બાદ આ પ્રકરણે તપાસ શરૃ કરવામાં આવી હતી. ત્યારબાદ બુધવારે કુરલકરની ધરપકડ કરી આજે પુણેની એક અદાલતમાં હાજર કરવામાં આવતા તેમને એટીએસની કસ્ટડી ફટકારવામાં આવી હતી. આ સંદર્ભે એટીએસના અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ એક હનીટ્રેપનો કેસ લાગે છે. જેમાં પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેટીવ્સોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુંદર મહિલાઓના ફોટો વાપરી ડીઆરડીઓના અધિકારીને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં કુરલકરે પાકિસ્તાની ઓપરેટીવ્સ સાથે વોઇસ મેસેજ અને વીડિયો કોલથી સંપર્ક કર્યો હતો અને તેમણે સંવેદનશીલ માહિતી શેર કરી હોવાની શંકા છે.
કુરલકરની ડીઆરડીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ પ્રોફાઇલમાં તેમને ટીમ લીડર અને લીડ ડિઝાઇનર તરીકે વર્ણવવામાં આવ્યા છે જેમણે સંખ્યાબંધ મિલિટરી એન્જિનિયરિંગ સિસ્ટમ્સ અને મિસાઇલ લોન્ચર્સ સહિત સાધનોની સફળ ડિઝાઇન્સના વિકાસ, વિતરણમાં મુખ્ય અને અગ્રણી ભૂમિકા ભજવી છે. આ સિવાય પ્રોફાઇલ અનુસાર ૨૭ માર્ચ ૨૦૧૯ના રોજ ડીઆરડીઓએ સફળતા પૂર્વક મિશન શક્તિ એન્ટિ-સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણ કર્યું હતું. આ મિશનની નિર્ણાયક સબસિસ્ટમ, બેલેસ્ટીક મિસાઇલ લોન્ચરના કન્સેપ્ટથી લઇને ડિપ્લોવેબલ પ્રોટોટાઇપ સુધીની ડિઝાઇન ત્રણ મહિનાના ટુંકા ગાળામાં પીએમ કુરુલકરના સક્ષમ માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવી હતી.